Site icon Revoi.in

સુરતના કઠોર વિસ્તારમાં ઝાડા-ઉલટીના કેસ વધ્યાં, છના મોત

Social Share

સુરતઃ કઠોર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસો વધી જતાં અને છ જણાંના મૃત્યુ થતાં સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. આજે સુરત મહાનગર પાલિકાના કમિ. બંછાનિધિ પાની અને મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતના અધિકારીઓએ કઠોરના અસરગ્રસ્ત વિવેકનગર કોલોની વિસ્તારની મુલાકાત લીધી હતી. આ તબક્કે મેયર બોઘાવાલાએ મૃતક પરિવારને રૂપિયા એક લાખની સહાય જાહેર કરી છે. તેમજ તમામ દર્દીની સારવાર સુરત મહાનગર પાલિકા કરાવશે.

છેલ્લા બે દિવસથી કઠોર વિવેકનગર કોલોની વિસ્તારમાં ઝાડા ઉલ્ટીનો વાવર અચાનક વધી ગયો હતો. ૧૦૦થી વધુ દર્દીઓને ઝાડા ઉલ્ટી થયા હતા. જે પૈકી છ જણાના મૃત્યુ થયા હતા. ગઈકાલે સુરત જિલ્લા કોંગ્રેસ આગેવાન અને પંચાયતના માજી સભ્ય દર્શન નાયકે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મળીને ખબર અંતર પૂછ્‌યા બાદ મનપા કમિશનરને પત્ર પાઠવી અસરગ્રસ્ત દર્દીઓને સહાય જાહેર કરવાની માંગણી કરી હતી. જેને પગલે આજે મેયર સહિતના અધિકારીઓએ કઠોર ધસી જઈ મૃતક દર્દીને એક લાખની સહાય જાહેર કરી તમામ દર્દીઓની સારવાર મનપા કરાવશેની જાહેરાત કરી હતી. આ વિસ્તારમાં દુષિત પાણીને કારણે ઝાડા ઉલ્ટીના કેસો વધી જતા મનપાના પાણી અને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી અને પાણીના સેમ્પલો લીધા હતા.