ઈન્દિરા-રાજીવના વારસાનું અપમાન છે કાસ્ટ સેન્સસ, રાહુલ ગાંધી પર કૉંગ્રેસના મોટા નેતાએ સાધ્યું નિશાન
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક કલેશ ખુલીને સામે આવી રહ્યો છે. આખા દેશમાં જાતિગત વસ્તી ગણતરીનો વાયદો કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તેમની જ પાર્ટીના એક મોટા નેતાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
કાસ્ટ સેન્સસની માગણી સાથે રાહુલ ગાંધી લોકોને વાયદો કરી રહ્યા છે કે જો સત્તામાં આવશે, તો તેઓ ખુદ તેને કરાવશે. હવે તેમની આ માગણીને લઈને રાહુલ ગાંધી પર પૂર્વ કેબિનેટ મંત્રી આનંદ શર્માએ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે જાતિગત વસ્તીગણતરી કોઈ રામબાણ નથી. તેમણે આને ઈન્દિરા અને રાજીવ ગાંધીના વારસાનું અપમાન ગણાવ્યું છે.
આનંદ શર્માનો દાવો છે કે કોંગ્રેસે ક્યારેય પણ ઓળખની રાજનીતિ કરી નથી અને ન તો તેનું સમર્થન કર્યું છે. આનંદ શર્માએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખીને કહ્યુ છે કે જાતિગત વસ્તીગણતરીની માગણીને પાર્ટીના પૂર્વ નેતાઓ અને ઈન્દિરા ગાંધી તથા રાજીવ ગાંધી જેવા પૂર્વ વડાપ્રધાનોનો અનાદર કરવા તરીકે સમજી શકાય છે.
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસે હિસ્સેદારી ન્યાય હાઠળ જાતિગત વસ્તીગણતરી કરાવવા અને અનામતની 50 ટકાની સીમાને સમાપ્ત કરવાની ગેરેન્ટી આપી છે. ખુદ ખડગેએ હિસ્સેદારી ન્યાય હેઠળ આવનારી ગેરેન્ટીઓને ગણાવતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એક વ્યાપક સામાજીક, આર્થિક, અને જાતિગત વસ્તીગણતરીની ગેરેન્ટી આપે છે. તેના માધ્યમથી તમામ જાતિઓ અને સમુદાયોની વસ્તી, સામાજીક-આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય મિલ્કતમાં તેમની હિસ્સેદારી અને શાસનથી સંબંધિત સંસ્થાઓમાં તેમના પ્રતિનિધિત્વનું સર્વેક્ષણ કરવામાં આવશે. આ મુદ્દા પર કોંગ્રેસના આંતરીક કલેશને સ્પષ્ટ જોઈ શકાય છે.
આનંદ શર્માએ કહ્યુ છે કે પાર્ટીનું હાલનું વલણ કોંગ્રેસ સરકારોના વિચારો સાથે મેળ ખાતું નથી અને તેના કારણે પાર્ટીના રાજકીય વિરોધીઓને કીચડ ઉછાળવાનો મોકો મળી જશે. આનંદ શર્માએ જાતિને લઈને કોંગ્રેસના ઐતિહાસિક વલણ તરફ સંકેત કર્યો. તેમમે પોતાના પત્રમાં ઈન્દિરા ગાંધીના 1980ના સૂત્ર – ના જાત પર ન પાત પર, મોહ લગેગી હાથ પર-નો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે એમ પણ લખ્યું છે કે 1990માં રાજીવ ગાંધીએ જાતિવાદને ચૂંટણી મુદ્દો બનાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે લખ્યુ છે કે પોતાના ઐતિહાસિક વલણથી હટવું દેશબરના ઘણાં કોંગ્રેસી પુરુષો અને મહિલાઓ માટે ચિંતાનો વિષય છે.આ વિચારવા અને સમજવાની વાત છે. મારું માનવું છે કે જાતિગત વસ્તીગણતરી ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વારસાનું અપમાન માનવામાં આવશે.