Site icon Revoi.in

બનાસકાંઠાના થરાદ સહિત તાલુકાઓમાં એરંડાના પાકમાં રોગચાળાથી ખેડુતો બન્યા ચિંતિત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સહિત તાલુકાઓમાં એરંડાના પાકમાં રોગચાળો જોવા મળતા ખેડુતો ચિંતિત બન્યા છે. એરંડાના પાકમાં કાતરા ઈયળોના ઉપદ્રવને લીધે ઊભોને ઊભો પાકનો નાશ થઈ રહ્યો છે. દરમિયાન જિલ્લાના કૃષિ વિભાગે ખેડુતોને અપિલ કરી છે. કે, ખેડુતોએ એરંડાના પાકને કાતરા ઈયળોથી બચાવવા માટે ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવો જોઈએ.

બનાસકાંઠાના સરહદી થરાદ તાલુકાના જમડા સહિતના વિસ્તારોમાં એરંડાના પાકમાં રોગચાળાને લીધે ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલમાં કાતરા ઇયળે આ વિસ્તારમાં ખેડૂતોને પરેશાની વધારી દીધી છે. એરંડાનો પાક ઉભાને ઉભો  ખતમ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં એરંડાના પાકનું મોટા પ્રમાણમાં વાવણી થયેલું છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે એરંડાનું વાવેતર થાય છે. જેમાં થરાદ તાલુકાનો સમાવેશ થાય છે. એરંડાએ રોકડિયો પાક હોવાથી એરંડાની ખેતી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને ખેડૂતો સારી આવક મેળવે છે, પરંતુ આ વખતે એરંડામાં રોગ અને ઇયળના ઉપદ્રવના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.  છેલ્લા ઘણા સમયથી એરંડામાં કાતરા પ્રકારની જીવાત જોવા મળી રહી છે. આ ઇયળ એરંડાના છોડ અને પાકને નિષ્ફળ બનાવે છે.

થરાદ તાલુકાના જમડા ગામના ખેડૂતોના કહેવા મુજબ,  એરંડાના પાકમાં કાતરા જીવાંતના ઉપદ્રવને કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કાતરાઓ શરીર ઉપર અસંખ્ય વાળ ધરાવતા હોય છે અને એરંડા ઉપર આક્રમણ શરૂ કરે છે અને પાકને નુકસાની પહોંચાડે છે. આ ઉપરાંત પાનને ખાઈને આખા ખેતરનો ભૂક્કો બોલાવી દે છે. જિલ્લાના કૃષિ વિભાગે ખેડુતોને અપીલ કરી છે કે, આ પ્રકારના કાતરા અમૂક વેરાયટીઓમાં જોવા મળે છે ખેડુતોએ ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવો જોઈએ.