Site icon Revoi.in

પાટડી માર્કેટીંગ યાર્ડમાં એરંડા, ઈસબગુલ અને જીરાની ધૂમ આવક, એરંડાના ભાવ 1425 સુધી બોલાયા

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી માર્કેટિંગ યાર્ડમાં એરંડાની ધૂમ આવક થઈ રહી છે. સોમવારે જ 15 હજાર મણ એરંડાની આવક નોંધાઇ હતી અને ભાવ પણ રૂપિયા 1425 સુધી બોલાયા હતા. જ્યારે પાટડી એપીએમસીમાં ઇસબગુલની 2000 મણ આવક થઈ હતી અને ભાવ રૂ. 2550 સુધી બોલાયા હતા, જ્યારે જીરાના ભાવ રૂ. 4500 સુધી બોલાયા હતા. જ્યારે કપાસની પણ સોમવારે 1000 મણ આવક નોંધાઇ હતી. આમ કૃષિપાકથી ધૂમ આવકથી માર્કેટ યાર્ડના વેપારીઓ અને સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડુતો પણ ખૂશખૂશાલ બન્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટડી માર્કેટીંગ યાર્ડમાં સોમવારે ઉઘડતી બજારે એક જ દિવસે 15 હજાર મણ એરંડા, 600 મણ જીરા અને 2000 મણ ઇસબગુલ, રાયડો 500 મણ, સવા 400 મણ અને કપાસની 1000 મણ વિક્રમજનક આવક નોંધાઇ છે. જ્યારે પાટડી માર્કેટિંગ યાર્ડમાં સોમવારના ભાવની વાત કરવામાં આવે તો એરંડના ભાવ મણે રૂ. 1420થી 1425, જીરાના ભાવ મણે રૂ. 4300થી 4500, ઇસબગુલના ભાવ મણે રૂ. 2500થી 2550, રાયડાનો ભાવ મણે રૂ. 1150થી 1230, સવાનો ભાવ મણે રૂ. 1350થી 1400 અને કપાસનો ભાવ મણે રૂ. 1050થી 1100 બોલાતા હરાજી માટે આવેલા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા.

આ અંગે પાટડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન શૈલેષભાઇ પટેલ, વાઇસ ચેરમેન દેવેન્દ્રભાઇ પાવરા અને મેનેજર સાગર દેસાઇએ જણાવ્યું હતું કે,  હાલ પાટડી માર્કેટિંગ યાર્ડમાં એરંડાની વિક્રમજનક આવક સાથે ખેડૂતોને એરંડા સહિતની વિવિધ ઉપજના ઘેર બેઠા સારા ભાવ મળી રહેતા તાલુકા ભરના ખેડૂતો વહેલી સવારથી જ ટ્રેક્ટરો ભરીને પાટડી માર્કેટિંગ યાર્ડ બહાર લાઇનો લગાવી દે છે.