અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે માલધારી સમાજના અસંતોષને લીધે સરકાર ઢોર નિયંત્રણના કાયદો પરત ખંચવા માટે તૈયાર થઈ ગઈ છે. ગત વિધાનસભામાં ઢોર નિયંત્રણ બીલને મંજુરી આપવામાં આવી હતી. પરંતુ રાજ્યપાલે આ બીલને પરત મોકલતા આગામી સત્રમાં વિધાનસભામાં બીલને પરત ખેંચી લેવામાં આવે તેવી શક્યતા છે. જોકે ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માલધારી સમાજને ખાતરી આપવામાં આવી હોવા છતાં માલધારીઓ દ્વારા બુધવારે દુધ ન ભરવાનું એલાન આપ્યું છે. તેને યથાવત રાખવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ 14મી ગુજરાત વિધાનસભાના છેલ્લા બજેટસત્રના છેલ્લા દિવસે મધ્યરાત્રિ પછી 1લી એપ્રિલે રખડતાં ઢોર નિયંત્રણ વિધેયક (પ્રસ્તાવિત કાયદા) મંજુર હતું. પરંતુ આ વિધેયકનો રાજ્યભરના માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને પગલે 21 અને 22 સપ્ટેમ્બરના રોજ મળનારા વિધાનસભા સત્રના પહેલા દિવસે ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામાં આવશે. રાજ્યપાલે બિલ પરત મોકલ્યું છે. તેમજ આગામી વિધાનસભા સત્રમાં બિલ જ રદ કરવામાં આવશે. આમ ચૂંટણી ટાણે નારાજ થયેલા માલધારીઓને રિઝવવા માટે રખડતા ઢોર નિયંત્રણનું બીલ પરત ખેચી લેવામાં આવશે.
આ અંગે માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે,માલધારી સમાજના 11 મુદ્દાને લઈને બંધનું એલાન અપાયું છે. એ પૈકી 1 મુદ્દા પર સરકાર તૈયાર થઈ છે અને બિલ પરત ખેંચવાની છે. બાકીના 10 મુદ્દા પર પણ સરકારે વાતચીત કરી તેનું નિરાકરણ લાવવું જોઈએ. માલધારીઓ દ્વારા દૂધ બંધ આંદોલન યથાવત્ જ રહેશે.
ભાજપ માલધારી સેલના અગ્રણી અને અમદાવાદના ગોતાના પૂર્વ કોર્પોરેટર દિનેશ દેસાઈએ કહ્યું કે,રાજ્યપાલે બિલ પાછું મોકલી દીધું છે. આ કાયદાનો રાજ્યભરમાં માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ ગાંધીનગરના શેરથામાં હજારો માલધારી દ્વારા દૂધ ન ભરવાના આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.