Site icon Revoi.in

સુરતમાં તાપી નદીનું જળસ્તર વધતા કોઝ-વે બંધ કરાયો, લોકો જીવના જાખમે સેલ્ફી લઈ રહ્યા છે

Social Share

સુરતઃ અષાઢના પ્રારંભથી જ ગુજરાતભરમાં સમયાંતરે સારો વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે તાપી નદીનું જળસ્તર વધી રહ્યું છે. તેના લીધે સુરત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ તાપી નદી પરનો કોઝ-વે બંધ કરી દીધો છે. લોકોને અવરજવર ન કરવાની અપિલ કરવામાં આવી છે, તેમજ વાહનો માટે પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ત્યારે કોઝ-વે મોજ મસ્તીનું સ્થળ બની ગયું હોય તેમ જીવના જોખમે લોકો કોઝ-વે પર બિન્દાસ્ત ફરી સેલ્ફી લઈ રહ્યા છે. લોકો કોઝ-વેની વચ્ચે આવી સેલ્ફી લેતા વીડિયોમાં નજરે પડી રહ્યા છે. અગાઉ આવા વીડિયો સામે આવતા રાંદેર પોલીસે પેટ્રોલિંગ કરવાની વાત કરી હતી. પરંતુ આ વાત પોકળ સાબિત થઈ રહી છે.

તાપી નદીમાં ઉપરવાસમાં વરસાદને કારણે નદીનું જળસ્તર વધી રહ્યું હોવાથી સુરત શહેરનો તાપી નદી પરનો કોઝ-વે ઓવરફ્લોર થતાની સાથે જ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવાયો છે. કોઝ-વેની સપાટી 6 મીટર કરતાં વધુ પાણીનું વહનને જોતા બંધ કરી દેવાયો હતો. વાહન વ્યવહાર માટે પણ કોઝ-વે બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે, ઓવરફ્લો થયેલા કોઝ-વે ઉપર વાહન ચલાવવું જોખમી પૂરવાર થઈ શકે છે. લોકોને કોઝવે પર ન આવવા માટે જાહેર અપિલ પણ કરવામાં આવી છે. છતાં સેલ્ફી લેવા માટે યુવાનો પોતાના જીવની પરવાહ કર્યા વિના કોઝવે પર આવી રહ્યા છે. અને તેના વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. તાપી નદીનું જળસ્તર અચાનક વધે તો સેલ્ફીબાજ યુવાનો નદીમાં તણાઇ શકે છે. જો કે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો માત્ર કોઝવે બંધ કરીને પોતાની જવાબદારી પૂર્ણ થઈ ગયાનું સમજીને નિષ્ક્રિય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતને ગંભીરતાથી લેવી જરૂરી છે.

સુરતના તાપી નદી પરનો કોઝ-વે ઓવરફ્લો થતાં જ  કેટલાક લોકો નાના બાળકો સાથે ત્યાં પહોંચી ગયા હતા. અને યુવકો સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ આ બાબત અંગે વહીવટી તંત્રની ઊંઘ ઉઘડતા રાંદેર પોલીસે કોઝ-વે પર જતા લોકોને અટકાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો હતો અને તેમને કહ્યું હતું કે, કોઝ-વે બંધ છે ત્યાં સુધી અહીં પેટ્રોલિંગ કરવામાં આવશે. પરંતુ રાંદેર પોલીસની નિષ્ક્રિયતાને કારણે આવા લોકો હજી પણ કોઝ-વે પર મોજ મસ્તી કરવા જતા અચકાતા નથી.