Site icon Revoi.in

સુરતમાં તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો થતાં વાહન-વ્યવહાર માટે બંધ કરાયો

Social Share

સુરતઃ શહેરમાં રવિવારે 6 ઈંચ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારો જળબંબોળ બન્યા હતા. તાપી નદીમાં જળસ્તરમાં વધારો થતા રાંદેર સિગણપોર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે ચોમાસાની સીઝનમાં પહેલી વાર ઓવર ફ્લો થયો છે. કોઝવે ઓવર ફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વિયર ઉપરવાસમાં સારો વરસાદ થતાં તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયર કમ કોઝ વે પણ ઓવરફ્લોની નજીક છે. જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

સુરતમાંથી પસાર થતી તાપી નદી શહેરીજનો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તાપી નદી પર બનાવવામાં આવેલા વિયરમાં પાણીનો સંગ્રહ કરીને તેમાંથી રો વોટર લઈ વોટર વર્કસમાં ટ્રીટ કરીને શહેરીજનોને પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. તાપી નદીમાં બનાવવામા આવેલા વિયરની સપાટી 5 મીટરથી ઓછી થાય એટલા પાણીની ગુણવત્તા પર માઠી અસર પડે છે. આ વર્ષે ચોમાસું પાછું ખેંચાતા વિયરની સપાટી 4.92 મીટર થઈ ગઈ હતી. ત્યાર બાદ પાણીની ગુણવત્તા બગડે નહીં તે માટે સુરત પાલિકાએ ઉકાઈ ડેમના સત્તાધીશોને  27 જુને પત્ર લખીને પાણી છોડવા માટેની માગણી કરી હતી. જોકે, આ પત્ર સીધો કુદરત પાસે પહોંચી ગયો હોય તેમ માત્ર ત્રણ દિવસમાં જ વિયરના ઉપરવાસમાં સારો વરસાદ થતાં તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હતી અને વિયર કમ કોઝવે ઓવર ફ્લો થઈ ગયો હતો. કોઝવે ઓવર ફ્લો થતા વાહન વ્યવહાર માટે  બંધ કરવામાં આવ્યો છે.