NordPass અનુસાર, ભારતમાં 3.5 લાખ લોકો તેમના પાસવર્ડમાં ‘પાસવર્ડ’ શબ્દનો ઉપયોગ કરે છે. તે જ સમયે, 75 હજારથી વધુ ભારતીયો પોતાનો પાસવર્ડ ‘બિગબાસ્કેટ’ તરીકે રાખે છે. આ પાસવર્ડ્સમાં ન તો કોઈ સંખ્યા છે કે ન તો કોઈ વિશેષ અક્ષર કે ચિહ્ન! હવે જણાવો કે આ કઈ રીતે ક્સુરક્ષિત પાસવર્ડ કહેવાય?!
દર વર્ષે સાયબર સિક્યુરિટી કંપનીઓ અથવા એનાલિટિક્સ એજન્સીઓ સૌથી સામાન્ય પાસવર્ડની યાદી બહાર પાડે છે અને આ વર્ષે એક સિક્યોરિટી ફર્મે વર્ષ 2022ના સૌથી નબળા પાસવર્ડની યાદી બહાર પાડી છે, જેમાં જણાવેલા પાસવર્ડ ને તમે ખુબ આસાનીથી ખોલી શકો છો. આ યાદી સમજાવે છે કેવી રીતે મોટી સંખ્યામાં લોકો સમાન પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. દર વર્ષે, આવી કેટલીક કંપનીઓ આવા સામાન્ય અથવા નબળા પાસવર્ડ્સની યાદી જાહેર કરીને લોકોને તેનો ઉપયોગ ન કરવા ચેતવણી આપે છે, કારણ કે આવ પાસવર્ડ બહુ સરળતાથી ખોલી શકાય છે! એવું લાગે છે કે લોકો હજુ પણ સાયબર સુરક્ષા વિશે જાગૃત નથી.
સૂચિમાં ઉલ્લેખિત ટોચના 10 સામાન્ય પાસવર્ડ્સ વિશે વાત કરીએ તો, 123456, bigbasket, password, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234 અને googledummy સૌથી સામાન્ય પાસવર્ડ છે. લાખો લોકો આ પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.
ભારત સિવાય આ સંશોધન 30 અન્ય દેશોમાં પણ કરવામાં આવ્યું હતું, જ્યાં જાણવા મળ્યું હતું કે ગેસ્ટ, વીઆઈપી, 123456 જેવા પાસવર્ડનો પણ સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે સંશોધકો એવા નિષ્કર્ષ પર આવે છે કે મોટાભાગના લોકો રમતગમતની ટીમો, મૂવીના પાત્રો અને ખાદ્ય પદાર્થોનો પાસવર્ડ તરીકે ઉપયોગ કરે છે.
તમે પણ સમજી લો કે આવા સામાન્ય અને નબળા પાસવર્ડ્સનો ઉપયોગ કરવો યોગ્ય નથી, કારણ કે તેનો સરળતાથી ભંગ થઈ શકે છે, જેનો અર્થ છે કે આ પાસવર્ડથી સજ્જ તમારા કોઈપણ એકાઉન્ટને હેકર્સ અથવા સ્કેમર્સ સરળતાથી નિશાન બનાવી શકે છે. અને તેઓ તમારી વ્યક્તિગત માહિતી ચોરી શકે છે.
આ સમસ્યાનો ઉકેલ અને પાસવર્ડ ચોરાઈ ના જાય તે માટે તમારો પાસવર્ડ હંમેશા લાંબો રાખો અને તેમાં કેપિટલ કેરેક્ટર, નંબર્સ તેમજ સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરો. એટલું જ નહીં, થોડા સમય પછી તમારો પાસવર્ડ બદલતા રહો અને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન જેવી સુવિધાઓનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટને શક્ય તેટલું સુરક્ષિત રાખો.
(ફોટો: ફાઈલ)