CBIના પૂર્વ કાર્યકારી નિદેશક નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટે કર્યા તલબ, કહ્યું- હવે ભગવાન જ તમારી મદદ કરે
સીબીઆઈના ભૂતપૂર્વ કાર્યકારી નિદેશક નાગેશ્વર રાવ અને એક અન્ય અધિકારીને નોટિસ મોકલીને સુપ્રીમ કોર્ટે બંનેને 12મી ફેબ્રુઆરીએ વ્યક્તિગત રીતે અદાલતમાં હાજર થવા માટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની ખંડપીઠે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે પહેલી નજરે એ લાગી રહ્યુ છે કે નાગેશ્વર રાવે સીબીઆઈના અધિકારી એ. કે. શર્માની ટ્રાન્સફર કરીને અદાલતનો અનાદર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રાન્સફર આદેશ જાહેર કરતા પહેલા નાગેશ્વર રાવે કોર્ટની સંમતિ લેવી જોઈતી હતી.
મહત્વપૂર્ણ છે કે નાગેશ્વર રાવે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસ મામલાની તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારી એ. કે. શર્માની તાજેતરમાં બદલી કરી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આ મામલા સાથે જોડાયેલા અધિકારીઓની યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ છે કે અમે આને બેહદ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. તમે સુપ્રીમ કોર્ટના આદેશ સાથે રમત કરી છે. હવે ભગવાન જ તમારી મદદ કરે. સુપ્રીમ કોર્ટના આદેશની સાથે ક્યારેય રમત રમવામાં આવે નહીં.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશના ઉલ્લંઘન માટે સીબીઆઈના પ્રોસિક્યૂશન ડાયરેક્ટર ઈન્ચાર્જ એસ. ભાસુ રામને પણ હાજર રહેવા માટેના નિર્દેશ જાહેર કર્યા છે.
બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર નીતિશ કુમારની સરકારને ઠપકો આપતા કહ્યું છેકે આ દુર્ભાગ્યપૂર્ણ છેકે બાળકોની સાથે આવા પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે. તમે આવા પ્રકારની બાબતોની મંજૂરી આપી શકો નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલાને બિહારની સીબીઆઈ કોર્ટમાંથી દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને આકરા શબ્દોમાં ઠપકો આપતા બે વાગ્યા સુધીમાં તમામ સવાલોના જવાબ આપવા માટેના પણ નિર્દેશ આપ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે કહ્યુ હતુ કે દિલ્હીથી પટના બેકલાકનો રસ્તો છે. તેઓ ચીફ સેક્રેટરીને પણ અહીં ઉભા કરી શકે છે.