CGSTના ઉચ્ચ અધિકારી સામે અપ્રમાણસર મિલકત બાબતે CBIની કાર્યવાહી, ગુજરાત-રાજસ્થાનમાં દરોડા
અમદાવાદઃ ગાંધીધામમાં કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેસ્ટ (સીજીએસટી) વિભાગના આસિસ્ટન્ટ કમિશનરના ઘર તથા તેમની સાથે સંકળાયેલા અન્ય સ્થળો ઉપર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુબેરનો ખજાનો મળી આવતા સીબીઆઈના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઉચ્ચ અધિકારીએ પત્નીના નામે મોટી સંપત્તિ એકત્ર કરી હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ ગુજરાત અને રાજસ્થાનમાં તપાસનો ધમધમાટ તેજ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર CGST વિભાગના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરી પાસે આવક કરતા વધારે સંપત્તિ એકઠી કરી હોવાની માહિતી મળી હતી. જેના આધારે સીબીઆઈએ તપાસ આરંભી હતી. તેમજ તેમના નિવાસસ્થાન ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. અધિકારી પાસેથી રૂ. 42 લાખની રોકડ, ઘરેણા, વિદેશી ચલણ અને મોંઘી ઘડિયાળ સહિતની કિંમતી વસ્તુઓ મળી આવી હતી. જેથી સીબીઆઈના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા.
આ દરોડામાં મહેશ ચૌધરીના ઘરેથી 3 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.c ઉચ્ચ અધિકારીએ પોતાના અને પરિવારના સભ્યોના નામે મોટી રકમ રોકડ, બેંક ડિપોઝિટ, જંગમ અને અચલ સંપત્તિના દસ્તાવેજો રાખ્યા છે. સીબીઆઈની તપાસ હજુ પૂરી થઈ નથી. સીબીઆઈએ આ પ્રકરણમાં ગુજરાતની સાથે રાજસ્થાનમાં તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
અધિકારીએ રૂ. 3.72 કરોડની સંપત્તિ ખોટી રીતે એકત્ર કરી હોવાનું જાણવા મળે છે. આમ અધિકારીની આવક કરતા વધારે સંપત્તિ હોવાનું સામે આવ્યું હતું. અધિકારી સાથે સંકળાયેલા અન્ય અધિકારી-કર્મચારીઓની વિગતોની તપાસ શરૂ કરવામાં આવી છે. સીબીઆઈની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સીબીઆઈએ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.