Site icon Revoi.in

સાયબર આરોપીઓ ઉપર CBIની કાર્યવાહી, કેટલાક રાજ્યોમાં દરોડા પાડીને 26ને ઝડપી લેવાયાં

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ સંસ્થા- સીબીઆઇએ વિશ્વભરમાં છેતરપિંડી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અત્યંત સંગઠિત સાઇબર ક્રાઇમ નેટવર્કનાં 26 મહત્વનાં ગુનેગારોની ધરપકડ કરી છે. સીબીઆઇએ ટેકનોલોજી આધારિત ગુનાઇત નેટવર્કનો પર્દાફાશ કરવા વિવિધ શહેરોમાં 32 સ્થળોએ શોધ અભિયાન હાથ ધરીને આ આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે, આ ગુનેગારોમાં પૂણેનાં 10, હૈદરાબાદના 5 અને વિશાખાપટ્ટનમમાં 11નો સમાવેશ થાય છે. સીબીઆઇએ ઇલેક્ટ્રોનિક્સ સાધનો, મોબાઇલ ફોન, લેપટોપ, નાણાકીય માહિતી, કમ્યુનિકેશન રેકોર્ડ સહિત 950 ચીજો પણ જપ્ત કરી છે. ટીમને 58 લાખ રૂપિયા રોકડ, ત્રણ લક્ઝરી વાહનો અને લોકરની ચાવી પણ મળી આવી છે.

સીબીઆઈએ જે સ્થળોએ દરોડા પાડ્યા તેમાં પુણે, હૈદરાબાદ, અમદાવાદ, વિશાખાપટ્ટનમ વગેરે શહેરોનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન, સીબીઆઈએ રૂ. 58.45 લાખની રોકડ, અનેક લોકરની ચાવીઓ અને ત્રણ વૈભવી વાહનો જપ્ત કર્યા હતા. સીબીઆઈએ દરોડા દરમિયાન ચાર કોલ સેન્ટરો સામે પણ કાર્યવાહી કરી હતી, જેમાં પુણેના કોલ સેન્ટર વીસી ઈન્ફોર્મેટિક્સ પ્રાઈવેટ લિમિટેડ, વિશાખાપટ્ટનમની ઈન્ફોર્મેટિક્સ પ્રાઈવેટ લિમિટેડ, હૈદરાબાદના વાઈઝેક્સ સોલ્યુશન, વિશાખાપટ્ટનમની એટ્રિયા ગ્લોબલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન, સીબીઆઈએ 170 લોકોની પૂછપરછ કરી, જેઓ કોલ સેન્ટર દ્વારા લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરતા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા ઘણા આરોપીઓ પર વિદેશમાં બેઠેલા લોકોને છેતરવાનો અને પીડિતોની સિસ્ટમ હેક કરવાનો આરોપ છે. આરોપીઓએ પીડિતોને એમ કહીને લાલચ આપી કે તેમની ઓળખ ચોરાઈ ગઈ છે અથવા તેમના બેંક ખાતામાંથી ગેરકાયદેસર વ્યવહારો કરવામાં આવ્યા છે. ત્યારબાદ આરોપીઓએ પીડિતોને તેમના નાણાંકીય વ્યવહારોને સુરક્ષિત રાખવા માટે તેમના નાણાં નવા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહીને છેતરપિંડી કરી હતી. દરોડા દરમિયાન સીબીઆઈએ પુણેમાંથી 10, હૈદરાબાદમાંથી પાંચ અને વિશાખાપટ્ટનમમાંથી 11 સાયબર ગુનેગારોની ધરપકડ કરી હતી. સીબીઆઈએ મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા અને ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરી છે.