નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની વધુ કસ્ટડી માંગવામાં આવશે. સિસોદિયાની દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. સિસોદિયાની પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થયા બાદ તેમને સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ સૂત્રોએ દાવો કર્યો હતો કે સિસોદિયા તપાસમાં સહકાર આપી રહ્યાં નથી.
સૂત્રોએ જણાવ્યું કે જાન્યુઆરીમાં તેઓએ સિસોદિયાની ઓફિસમાંથી એક કોમ્પ્યુટર જપ્ત કર્યું હતું. કોમ્પ્યુટરમાંથી ફાઈલો અને અન્ય ડેટા ડિલીટ કરવામાં આવ્યો હતો. ત્યારપછી સીબીઆઈએ ડિલીટ કરેલી ફાઈલોને પુનઃપ્રાપ્ત કરવા માટે કોમ્પ્યુટરને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યાં હતા. હવે એફએસએલે તપાસ બાદ રિપોર્ટ સોંપ્યો હતો. આમ તપાસનીશ એજન્સીએ કોમ્પ્યુટરમાંથી ડીલીટ થયેલી સમગ્ર ફાઈલ રીકવર કરી લીધી છે. બીજી તરફ સિસોદિયાએ ધરપકડના એક દિવસ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમની સાથે સત્યેન્દ્ર જૈન જે હાલમાં જેલમાં છે અને દિલ્હીના આરોગ્ય મંત્રી હતા તેમણે પણ રાજીનામું આપ્યું હતું.
સીબીઆઈએ રિમાન્ડ પેપરમાં આરોપ લગાવ્યો હતો કે સિસોદિયાએ એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સિસોદિયાએ કેટલાક દારૂના વેપારીઓને ફાયદો કરાવવા માટે એક્સાઈઝ પોલિસી સંબંધિત નિષ્ણાત સમિતિના રિપોર્ટમાં ફેરફાર કર્યો હતો. આ ખુલાસો આરોપી વિજય નાયરની તપાસમાં થયો હતો. દક્ષિણ ભારતના દારૂના વેપારી અને રાજકારણી દ્વારા નિયંત્રિત સાઉથ ગ્રૂપમાંથી રૂ. 100 કરોડ એકત્ર કર્યા હતા.