Site icon Revoi.in

નીટ પેપરલીક કેસમાં CBI તપાસનો ધમધમાટ, અમદાવાદ સહિત સાત સ્થળો ઉપર દરોડા

Social Share

અમદાવાદઃ NEET પેપર લીક મામલે CBIએ આજે ​​મોટી કાર્યવાહી કરી અને ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ શનિવારે ગુજરાતના ચાર જિલ્લા આણંદ, ખેડા, અમદાવાદ અને ગોધરામાં સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ પહેલા શુક્રવારે સીબીઆઈએ ઝારખંડમાં એક સ્કૂલ પર દરોડા પાડ્યા હતા અને સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની પણ ધરપકડ કરી હતી.

CBI અધિકારીઓએ જણાવ્યું હતું કે, હઝારીબાગમાં ઓએસિસ સ્કૂલના આચાર્ય એહસાનુલ હકને 5 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આયોજિત મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે હજારીબાગના શહેર-સંયોજક બનાવવામાં આવ્યા હતા. શાળાના વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમને NTAના સુપરવાઈઝર અને ઓએસિસ સ્કૂલના સેન્ટર કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ NEET પેપર લીક કેસમાં જિલ્લામાંથી વધુ પાંચ લોકોની પણ પૂછપરછ કરી હતી. પત્રકાર જમાલુદ્દીન અંસારીની આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.

CBIએ કથિત NEET પેપર લીક કેસમાં છ FIR નોંધી છે. આમાંથી એક એફઆઈઆર ખુદ સીબીઆઈ દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પર નોંધવામાં આવી છે. રાજ્ય સરકારો દ્વારા પાંચ FIR દાખલ કરવામાં આવી હતી, જેની તપાસ હવે CBI દ્વારા કરવામાં આવી રહી છે. સીબીઆઈ NEET પેપર લીક સંબંધિત બિહાર, ગુજરાતમાં એક-એક અને રાજસ્થાનમાં ત્રણ કેસની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NTA દ્વારા લેવામાં આવે છે. જેના આધારે સરકારી કે ખાનગી કોલેજોમાં મેડિકલ એમબીબીએસ, બીડીએસ અને આયુષ સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે.

આ વર્ષે, 5 મેના રોજ, NEET પરીક્ષા દેશના 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર લેવામાં આવી હતી. 14 વિદેશી વિદ્યાર્થીઓ સહિત 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. NEET પ્રવેશ પરીક્ષાને લઈને પેપર લીક જેવા ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જો કે સરકાર આ વાતને નકારી રહી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી હતી. વિપક્ષ આ મુદ્દે સંસદમાં હંગામો મચાવી રહ્યો છે અને NEET પેપર લીકની તપાસની માંગ કરી રહ્યો છે. વધતા વિરોધ પછી, સરકારે 23 જૂને NEET પેપર લીક કેસમાં પ્રથમ FIR દાખલ કરી.