- CBIના દરોડામાં 350 અધિકારીઓ કર્માચારી જોડાયા,
- દિલ્હી, હૈદરાબાદ સહિત શહેરોમાં દરોડા દરમિયાન ગુજરાત કનેક્શન મળ્યુ,
- FBIના ઈનપુટને પગલે દરોડા પડાયા
અમદાવાદઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શહેરમાં લગભગ 35 જેટલા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે. આ કોલ સેન્ટરો કથિત રીતે વિદેશી નાગરિકોને છેતરવામાં સામેલ હતા. એબીઆઈના ઈનપુટ બાદ દિલ્હી, વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદમાં દરોડા પાડ્યા બાદ ગુજરાતમાં દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈના 350 જેટલાં અધિકારીઓ, કર્મચારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા હતા.
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ટીમ દ્વારા ગઈકાલથી અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેમાં પણ એવી વિગત સામે આવી રહી છે કે, અમેરિકાની ફેડેરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)એ ઇનપુટ આપ્યા હતા કે, ગોવા, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને કોલકત્તામાં કેટલાક એવા કોલસેન્ટર ચાલી રહ્યા છે, જેની અંદર વિદેશી નાગરિકોને લૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઇનપુટના આધારે તપાસ શરૂ થઈ અને તેનું કનેક્શન અમદાવાદ સુધી નીકળી રહ્યું છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોના નામ ખુલ્યા છે, જેને ત્યાં સીબીઆઇની ટીમ પહોંચી છે. આ તમામ લોકો અલગ અલગ રાજ્યમાં વિદેશી નાગરિકોને છેતરવાનું અને તેમની પાસેથી પૈસા પડાવવા માટે કોલ સેન્ટર પ્લાન કર્યા હતા. એફબીઆઈના ઇનપુટ બાદ આ તમામની ધરપકડ માટે સીબીઆઇ કામ કરી રહ્યું છે અને ગઈકાલ રાતથી આ તપાસ હજી સુધી ચાલી રહી છે.
સૂત્રોના કહેવા મુજબ અલગ અલગ રાજ્યમાં ચાલતાં કોલ સેન્ટરમાં ગુજરાતનું કનેક્શન પ્રકાશમાં આવ્યું છે, ગઈકાલ સવારથી અત્યાર સુધી 350 લોકોની ટીમ અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રહી હતી. આ રેડ દરમિયાન અનેક લોકો પાસેથી રૂપિયા પડાવવાનું આખું નેટવર્ક ગોવા, કોલકાત્તા, વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદમાં સેટઅપ કરવામાં આવ્યું હતું. સીબીઆઇ દ્વારા હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને સહેજ પણ જાણ કરવામાં આવી નથી એટલું જ નહીં આ કોલ સેન્ટરમાં કેટલાક નામ પણ હાલ સામે આવ્યા છે અને તેની પૂછતાછ ચાલી રહી છે.
આખા દેશમાં આ કોલ સેન્ટરના ઈનપુટ સીબીઆઈને મળ્યા છે અને તે પ્રમાણે કાર્યવાહી ચાલી રહી છે આ દેશવ્યાપી દરોડાની અંદર 350થી વધુની ટીમ કામ કરી રહી છે. અમેરિકન નાગરિકોને તેમના લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે ડરાવીને તેમની પાસેથી ડોલર પડાવવાના રેકેટનો અગાઉ પણ અનેક વખત પર્દાફાશ થયો હતો. જેમાં મોટા કોલ સેન્ટરના માફિયાઓ અબજો રૂપિયા ઘરભેગા કરી દીધા છે. અહીં લાઈફ સ્ટાઈલ માટે જાણીતા આ કોલ સેન્ટર માફિયા નવા જરૂરિયાતમંદ યુવાનોને મોટા રૂપિયા આપવાની લાલચ આપીને કોલ સેન્ટર ચલાવડાવે છે અને તેમાં લોકોને ફસાવીને આખી સિસ્ટમમાં ડોલર ભેગા કરી લેતા હોય છે. (File photo)