ભુવનેશ્વર : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 10 સભ્યોની CBI ટીમે સોમવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી. ઈસ્ટ કોસ્ટ રેલ્વે હેઠળના ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંકેશ રેએ કહ્યું કે તેમને મળેલી માહિતી અનુસાર બાલાસોરમાં ટ્રેન અકસ્માતની સીબીઆઈ તપાસ શરૂ કરવામાં આવી છે..
રેલવે બોર્ડે રવિવારે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. અગાઉ રેલવે સેફ્ટી કમિશનર શૈલેષ કુમાર પાઠકે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બહનાગા બજાર રેલ્વે સ્ટેશનના કંટ્રોલ રૂમ, સિગ્નલ રૂમ અને સિગ્નલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી. 3 જૂનના રોજ બાલાસોરમાં સરકારી રેલવે પોલીસ (GRP) એ ટ્રેન અકસ્માતને લઈને ભારતીય દંડ સંહિતા અને રેલવે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
રેલ્વેએ જણાવ્યું હતું કે સોમવારે ત્રણ ઘાયલોના મૃત્યુ બાદ ઓડિશા ટ્રેન અકસ્માતમાં સત્તાવાર મૃત્યુઆંક વધીને 278 થયો છે. જો કે, ઓડિશા સરકારના આંકડા અનુસાર, મૃત્યુઆંક હજુ પણ 275 છે. ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંકેશ રેએ જણાવ્યું હતું કે 2 જૂને ત્રણ ટ્રેનની ટક્કરથી સર્જાયેલી દુર્ઘટનામાં 278 લોકોના મોત થયા હતા અને 1100 લોકો ઘાયલ થયા હતા.
બીજા દિવસે મૃત્યુઆંક 288 નોંધાયો હતો, પરંતુ ઓડિશા સરકારે રવિવારે આ આંકડો સુધારીને 275 કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક મૃતદેહોની બે વખત ગણતરી કરવામાં આવી હતી. આંકડાઓ પર સવાલ ઉઠાવતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે તેમના રાજ્યના 61 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને 182 લોકો હજુ પણ ગુમ છે.