નવી દિલ્હીઃ કલકત્તા હાઈકોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયેલી હિંસાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. 21 માર્ચની રાત્રે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામમાં હિંસા અને આગચંપી થઈ હતી. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા ઉપપ્રમુખ ભાદુ શેખની હત્યા બાદ કેટલાક અરાજક તત્વોએ બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી, જેમાં 6 મહિલાઓ અને 2 બાળકો સહિત કુલ 8 લોકોના કરુણ મોત થયા હતા.
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી હિંસાના કેસમાં ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, મૃતકોને જીવતા સળગાવવામાં આવે તે પહેલા ખૂબ જ માર મારવામાં આવ્યો હતો. હિન્દુ સેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિની આગેવાનીમાં એસઆઈટીની રચના કરીને તમાસની માંગણી કરી હતી. ટીએમસીના નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં મોટી જાનહાની થઈ હતી. સમગ્ર ઘટનાને રાજ્ય અને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી હતી. ગઈકાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીની અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ પીડિતોને મળ્યા હતા અને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.