ખેડૂત આંદોલનને પગલે CBSEબોર્ડ પરીક્ષા 2024 મુલતવી રાખવામાં આવી નથી, બોર્ડની સ્પષ્ટતા
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ શુક્રવારે બોર્ડની પરીક્ષાઓ 2024 મુલતવી રાખવા અંગે સોશિયલ મીડિયા પર ફરતા કરવામાં આવેલા નકલી પરિપત્ર સામે સ્પષ્ટતા જારી કરી હતી.
સીબીએસઈ બોર્ડે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પત્રને નકલી અને ભ્રામક ગણાવ્યો છે અને કહ્યું છે કે, બોર્ડે આવો કોઈ નિર્ણય લીધો નથી. નકલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે, “બોર્ડના ધ્યાન પર આવ્યું છે કે ખેડૂતોના વિરોધને કારણે બોર્ડને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેઓ શાળાઓમાં જઈ શકતા નથી, તેથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ, સરકારની માર્ગદર્શિકા મુજબ મોકૂફ રાખવામાં આવી છે. તમને નવી તારીખો વિશે જાણ કરવામાં આવશે. સમસ્યાને ધ્યાનમાં રાખીને, સીબીએસઈ એ પરીક્ષા કેન્દ્રની તારીખો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.”
નોંધનીય છે કે, પરીક્ષાઓની શરૂઆત પહેલા જ દેશમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને સીબીએસઈ એ, પરિવહન સંબંધિત સંભવિત મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દિલ્હીના વિદ્યાર્થીઓને સમયસર ઘરેથી નીકળવા, મેટ્રો સેવાઓનો ઉપયોગ કરવા, સવારે 10 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સીબીએસઈ 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે.