ગાંધીનગર: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી એપ્રિલમાં લેવાનારી ધોરણ-12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષા તા.4થી એપ્રિલથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ પરીક્ષા તા. 27મી માર્ચથી લેવામાં આવશે. સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર નવી ડેટશીટ જાહેર કરી છે. જ્યાંથી વિદ્યાર્થીઓ આ ડેટશીટ ડાઉનલોડ કરી શકશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 12મા ધોરણની બોર્ડની પરીક્ષાની ડેટશીટમાં કેટલાક ફેરફાર કર્યા છે. અપડેટેડ ડેટશીટ CBSE દ્વારા સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર બહાર પાડવામાં આવી છે. CBSEના 12મા ધોરણના સુધારેલા સમયપત્રક અનુસાર જે પરીક્ષા 4 એપ્રિલ 2023ના રોજ લેવાની હતી, તે હવે 27 માર્ચ 2023ના રોજ લેવામાં આવશે. સત્તાવાર સૂચના અનુસાર ધોરણ 10 ની તારીખ પત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ CBSE બોર્ડ દ્વારા લેવાનારી પ્રેક્ટિકલ પરીક્ષા આવતીકાલ તા. 2જી જાન્યુઆરી 2023થી શરૂ થશે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 4 એપ્રિલે યોજાનારી 12મા ધોરણની પરીક્ષાની તારીખોમાં ફેરફાર સિવાય અન્ય કોઈ પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે. કે, , CBSE બોર્ડ દ્વારા 29 ડિસેમ્બરના રોજ 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓની ડેટશીટ બહાર પાડવામાં આવી હતી. માધ્યમિક પરીક્ષા એટલે કે 10મા ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 21 માર્ચ 2023 સુધી ચાલશે. સીનિયર સેકન્ડરી પરીક્ષા એટલે કે 12મા ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા 5 એપ્રિલ, 2023 સુધી ચાલશે. ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ પરીક્ષા કેન્દ્રો પર સબ્જેક્ટિવ મોડમાં લેવામાં આવશે. ઓફિશિયલ શિડ્યૂલ મુજબ, બોર્ડ દ્વારા જાન્યુઆરીમાં રોલ નંબર અને એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.