નવી દિલ્હીઃ સીબીએસઈની ધો-10 અને 2ની ટર્મ-2ની પરીક્ષાઓનો તા. 26મી એપ્રિલના રોજ પ્રારંભ થશે. જો કે, બોર્ડની પરીક્ષાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. આ વર્ષે એક ક્લાસ રૂમમાં 18 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા બેસશે, આમ બેઠક વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ધો-10 અને 12ની પરીક્ષામાં 30 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠા છે.
બોર્ડની પરીક્ષાને લઈને દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે. CBSE એ આ વખતે એક વર્ગમાં 18 વિદ્યાર્થીઓને ટર્મ-II પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી છે. પરીક્ષામાં સામાજિક અંતરનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ સિવાય વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે. CBSE વર્ગ 10મી, 12મી ટર્મ 2 પરીક્ષા 2022 બે કલાકની હશે. જે મુજબ સવારે 10:30 થી બપોરે 12:30 દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ સવારે 9:30 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટ કરવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સવારે 10:00 વાગ્યે બંધ રહેશે. આ પછી વિદ્યાર્થીને કોઈપણ સંજોગોમાં અંદર જવા દેવામાં આવશે નહીં. સવારે 10:00 વાગ્યે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર અને ઉત્તરવહીનું વિતરણ કરવામાં આવશે, જેથી તેઓ કાળજીપૂર્વક ઉત્તરપત્ર ભરી શકે અને પ્રશ્નપત્ર પણ જોઈ શકે. વિદ્યાર્થીને વાંચનનો 20 મિનિટનો સમય આપવામાં આવશે.