Site icon Revoi.in

CCTV કેમેરા નહીં હોય તેવી શાળાઓને CBSE પરીક્ષા કેન્દ્રની મંજુરી નહીં આપે

Social Share

અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સાથે સંલગ્ન દરેક શાળાને તાકીદ કરવામાં આવી છે કે, ધોરણ 10-12ની પરીક્ષા પહેલાં શાળા અને તેના વર્ગ ખંડોમાં સીસીટીવી કેમેરા લગાવી લેવામાં આવે. બોર્ડની પરીક્ષા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ જ લેવામાં આવશે. જે શાળા-કે તેના વર્ગખંડમાં સીસીટીવી કેમેરા નહિ હોય ત્યાં કેન્દ્ર ફાળવવામાં આવશે નહિ. બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ અને ચોરીના બનાવો અટકાવી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં તેમજ વગ્ર ખંડોમાં સીસીટીવી કેમેરા લગાવવાની સુચવા આપવામાં આવી છે. આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા પહેલા જ બોર્ડ દ્વારા શાળાઓને સુચના આપવામાં આવી છે. દરેક શાળાઓએ સીસીટીવી કેમેરા એચડી ક્વોલિટી- લો લાઇટ કેમેરા લગાવવાના રહેશે.

સીબીએસઈ બોર્ડ દ્વારા શાળાઓને પાઠવાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડ દ્વારા પરીક્ષાઓ સ્વચ્છ અને છેતરપિંડી વિના યોજવા માટે સીસીટીવી પોલિસી તૈયાર કરવામાં આવી છે. જે શાળાઓમાં સીસીટીવી નથી અને તેઓ તેમની શાળાને બોર્ડ પરીક્ષા કેન્દ્ર બનાવવા માગે છે, તેઓએ સમયસર તેમની શાળાઓમાં સીસીટીવી લગાવવા જોઈએ. એટલું જ નહિ સમગ્ર પરીક્ષા દરમિયાન તમામ કેમેરા કાર્યરત સ્થિતિમાં હોવા જોઈએ. કેમેરામાં કોઈ ખામી જણાશે તો શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. આગામી ફેબ્રુઆરી માસમાં સીબીએસઈ દ્વારા બોર્ડની પરીક્ષા લેવામાં આવશે.

બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે લગભગ 44 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડે કેટલાક નિયમો પણ નક્કી કર્યા છે. શાળામાં, પરીક્ષા હોલમાં સીસીટીવી કેમેરા ફિટ કરવાની સાથે- સાથે તેને ઓપરેટ કરવાની તાલીમ પણ શાળાના શિક્ષકો અને કર્મચારીઓને આપવાની રહેશે. શાળામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેની જાણ માતા- પિતા અને વિદ્યાર્થીઓને પણ કરવાની રહેશે. સીસીટીવી કેમેરા ઉપરાંત ચેકિંગ સ્ક્વોડ દ્વારા પણ સમગ્ર પરીક્ષા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે. સીબીએસઈ બોર્ડની પરીક્ષાને માત્ર 5 જ મહિનાનો સમયગાળો બાકી હોય વિદ્યાર્થીઓ પણ તૈયારીમાં લાગી ગયા છે. સબીએસઇની સૂચના મુજબ પરીક્ષા દરમિયાન તમામ કેમેરા કાર્યરત સ્થિતિમાં હોવા જોઇએ.

રાજકોટમાં ગત વર્ષે કેન્દ્રીય વિદ્યાલય અને અન્ય શાળામાં સીબીએસઈ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજકોટની કેન્દ્રીય વિદ્યાલયમાં સીસીટીવી કેમેરા નહિ હોવાથી પરીક્ષા દરમિયાન ગેરરીતિ થઈ હોવાની શંકા વિદ્યાર્થી અને વાલીઓએ વ્યક્ત કરી હતી.