રાજસ્થાનના પોલીસ સ્ટેશનોમાં પોલીસ કર્મચારીઓ ઉપર ત્રીજી આંખથી રખાશે નજર
જયપુરઃ રાજસ્થાનના હવે તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેનાથી પોલીસની કાર્યપ્રણાલી પર પુરી નજર રાખવામાં આવશે. પોલીસની કામગીરી ઉપર અવાર-નવાર સવાલ ઉઠે છે. પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે મુખ્યમંત્રી અશોક ગહલોતે નિર્દેશ કર્યો છે.
મુખ્યમંત્રીએ આ કામગીરીની મોનિટરિંગ માટે સમિતિની રચના કરવાની મંજૂરી આપવામાં આવે છે. પોલીસ સ્ટેશનોમાં પ્રથમ તબક્કામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે રૂ. 8.40 લાખ મંજૂર કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના પ્રવેશ દ્વાર તથા અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ માટે ગૃહ વિભાગ અને નાણા વિભાગના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. સમગ્ર યોજના પાછલ રૂ. 16.80 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
પ્રસ્તાવ અનુસાર રાજ્ય સ્તરની સમિતિના ગૃહ વિભાગના સચિવની અધ્યક્ષામાં રચના કરવામાં આવશે. આ સમિતિ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીનું નિરીક્ષણ કરશે. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરામાં લગાવ્યાં બાદ પોલીસ કર્મચારીઓની કામગીરી ઉપર નજર રાખી શકાશે.