અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. શહેરમાં મ્યુનિ.માં સમાવેશ કરાયેલા બોપલ, ઘુમા, કઠવાડા સહિતાના ઘણા વિસ્તારોમાં ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા નથી. આથી એએમસી દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 100 જંકશન પર રૂ.15 કરોડના ખર્ચે સીસીટીવી લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બાકી રહેલા 30 બ્રિજને પણ આવરી લેવામાં આવશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં હાલમાં 112 જંકશન પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાંથી 96 જંકશન કાર્યરત છે. જ્યારે 16 જંકશન પર વરસાદ અને અન્ય કારણોસર સીસીટીવી કેમેરા બંધ છે. મ્યુનિ.એ શહેરના 70 બ્રિજ પર કેમેરા લગાવવાનો પણ નિર્ણય કર્યો છે, જેમાં 40 બ્રિજ પર સીસીટીવી કેમેરા કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ બીજા 30 બ્રિજ પર આગામી દિવસોમાં સીસીટીવી લગાવી દેવામાં આવશે. શહેરમાં 81 પૈકી આ 70 બ્રિજ આગામી દિવસોમાં સીસીટીવીથી સજ્જ થઇ જશે. આ ઉપરાંત શહેરમાં ભળેલા નવા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 15 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં બોપલ, ઘુમા, કઠવાડા સહિતાના ઘણા વિસ્તારોમાં ચાર રસ્તાઓ પર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 100 જંકશન પર રૂ.15 કરોડના ખર્ચે સીસીટીવી લગાવાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં 212 જંકશન આવેલા છે, જે જંક્શન પર 2557 કેમેરા લગાવાયા છે. જેમાંથી ટ્રાફિકના નિયમભંગના ઈ-મેમો જનરેટ કરવામાં આવે છે. આ જંક્શનો પૈકી સ્માર્ટ સિટી જંક્શન હેઠળ 130 જંક્શન પર 2303 કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યારે સીએમઆઈટીએમએસ (સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ)ના 82 જંક્શનો આવેલા છે જેના પર 254 કેમેરા લગાવવામાં આવ્યા છે.