ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે કાર્યભાર સંભાળ્યા બાદ લોકહિતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, તેમજ 51 નગરપાલિકા વિસ્તારો તેમજ મહત્ત્વના ટ્રાફિક જંક્શન પર સીસીટીવી નેટવર્ક ગોઠવાશે. રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ વધુ નવ હજાર સીસીટીવી કેમેરા નેટવર્ક ઊભું કરવાનો પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રેક ઉપર મુકવાની પણ તેમણે ગૃહ વિભાગને સૂચના આપી હતી. આમ માત્ર મહાનગરોમાં જ નહીં પણ નાના શહેરોને પણ સીસીટીવી નેટવર્ક સાથે જોડવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઇ ગુજકોપના માધ્યમથી રાજ્યમાં શરૂ થયેલા સ્માર્ટ પોલિસિંગમાં હાલ વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨નો અમલ કરતાં પહેલાં જરૂરી સીસીટીવી અને સોફ્ટવેર ખરીદી, તેના ટેન્ડર અને મેઇન્ટેન્સ કોન્ટ્રાક્ટ માટે એક ઉચ્ચસ્તરીય બેઠક ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ વડી કચેરીઓ અને ખાસ કરીને તમામ પોલીસ સ્ટેશનોને સીસીટીવી નેટવર્ક અને સોફ્ટવેર સાથે જોડી દેવા સૂચના આપી છે, તેનો ઝડપથી અમલ કરવાનો રહેશે. માત્ર સીસીટીવી નેટવર્ક નહીં પરંતુ આર્ટિફિસિયલ ઇન્સેલિજન્સનો પણ ઉપયોગ કરી શકાય એવી રીતે વ્યવસ્થા ગોઠવવા પણ તેમણે સૂચન કર્યું હતુ. હાલ 34 જિલ્લા મુખ્ય મથકો ખાતે નેત્રમ (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) કાર્યરત કરી દેવાયા છે. જ્યારે મુખ્ય પોલીસ વડા કચેરીએ મુખ્ય કમાન્ડ સેન્ટર કાર્યરત કરી દેવાયું છે. હવે રાજ્યને સુરક્ષિત કરવાની દિશામાં વધુ નવ હજાર કેમેરા ગોઠવાશે. રાજ્યની 51 જેટલી નગરપાલિકાઓમાં મુખ્યમાર્ગો પર સીસીટીવી કેમેરા ગોઠવાશે. જેની ગુનાઓને નિયંત્રિત કરી શકાશે.