દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આવે વિશ્વ શાંતિ, આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક યુદ્ધવિરામ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ દેશો દ્વારા દુનિયામાં શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અલ્ઝાઈમરની બીમારી અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ અલ્ઝાઈમર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ હોસ્પિટલો અને તબીબો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સમાન અને સ્થિર વિશ્વની પરિકલ્પનાની થીમ સાથે આજે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1981માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ અંગેની જાહેરાત કરાઈ ત્યારબાદ 21 સપ્ટેમ્બર 1982 ના રોજ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદભાવનો સંદેશો ફેલાવવાનો છે. કારણ કે વર્તમાન સમયમાં વિશ્વના મોટાભાગના દેશો શસ્ત્રો પાછળ અબજો રૂપિયા ખર્ચે છે. જો આ જ નાણાનો ઉપયોગ અન્ય ક્ષેત્રોમાં કરવામાં આવે તો મજબૂત અર્થતંત્ર સાથે લોકોના જીવનધોરણમાં પણ સુધારો લાવી શકાય છે.
- વૈશ્વિક યુદ્ધવિરામ દિવસ
21 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક યુદ્ધવિરામ દિવસ તરીકે પણ ઉજવાય છે. આજના દિવસે વિશ્વમાં જ્યાં પણ યુદ્ધ ચાલતુ હોય ત્યાં નિ:શસ્ત્રીકરણની અપેક્ષા રાખવામાં આવે છે. આ દિવસે યુદ્ધવિરામ રાખવાનો આશય યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં નિર્દોષોને મદદ પહોંચાડવાનો પણ છે.
દુનિયાના મોટા ભાગના દેશો દર વર્ષે શસ્ત્રો પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરે છે. જ્યારે આરોગ્ય અને શિક્ષણ પાછળ ખૂબ જ ઓછી રકમ ખર્ચ થાય છે. આમ, આ દિવસની ઉજવણી પાછળનો એક આશય એ પણ છે કે જો દુનિયાના દરેક દેશ શાંતિ માટે પ્રયત્નો કરે તો આરોગ્ય અને શિક્ષણ જેવી મહત્વની ચીજો પાછળ વધુ નાણાં ફાળવી શકાય. જેને કારણે એક મજબૂત અર્થતંત્રની રચના કરી શકાય અને લોકોના જીવનધોરણમાં પણ સુધારો કરી શકાય. કારણ કે જો દેશનો નાગરિક સ્વસ્થ અને ભણેલો હશે તો જ દેશ સ્વસ્થ અને મજબૂત બની શકશે અને વિકાસ કરી શકશે.
- વિશ્વ અલ્ઝાઇમર દિવસ
વિશ્વભરમાં દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વ અલ્ઝાઇમર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ અલ્ઝાઇમર નામની બીમારીના નામ પર મનાવવામાં આવે છે, જેથી લોકોને તેના વિશે જાગૃત કરી શકાય. આ બીમારીમાં દર્દી વસ્તુઓને ભૂલી જાય છે. જેમ કે કોઇ વસ્તુને કોઇ જગ્યાએ રાખીને ભૂલી જવું, થોડાક સમય પહેલાની વાત ભૂલી જવું વગેરે લક્ષણો જોવા મળે છે. લોકો તેને સામાન્ય બાબત સમજીને બેધ્યાન બની જાય છે. મોટાભાગે વૃદ્ધ લોકો આ બીમારીનો શિકાર બનતા હોય છે, પરંતુ આજના સમયમાં યુવાનોમાં પણ આ બીમારીના લક્ષણો જોવા મળતા હોય છે. કેટલાક વર્ષોમાં આ બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
આ બીમારીમાં સામાન્ય રીતે રાત્રે ઊંઘ ન આવવી, વસ્તુઓ ક્યાં મુકી તે છે તે ભૂલી જવું, આંખોની રોશની ઓછી થવી, નાના-નાના કામોમાં પણ મુશ્કેલી પડવી, પોતાના જ પરિવારના સભ્યોને ઓળખી ન શકવું, કંઇ પણ યાદ કરવા, વિચારવા અને નિર્ણય કરવાની ક્ષમતા પર અસર પડવી, ડિપ્રેશનમાં રહેવુ અને ડરી જવું જેવા લક્ષણો જોવા મળે છે.
આ બીમારીનો હજુ સુધી કોઇ સચોટ ઇલાજ મળ્યો નથી, પરંતુ પોતાની લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને આ બીમારીથી બચી શકાય છે. આ બીમારીના શરૂઆતી લક્ષણો પર લોકો ધ્યાન નથી આપતાં જેના કારણે આ બીમારી વધવા લાગે છે. એટલા માટે જો કોઇ વ્યક્તિમાં અલ્ઝાઇમરના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.