Site icon Revoi.in

ગુજરાતમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી, કુપોષણને નાથવા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયાં

Social Share

ગાંધીનગરઃ પ્રતિ વર્ષ સપ્ટેમ્બર માસ, સમગ્ર દેશમાં ‘પોષણ માહ’ તરીકે ઊજવાય છે. જેમાં સ્થાનિક સંસ્થાઓ, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ વિભાગો, સામાજિક સંસ્થાઓ, જાહેર તેમજ ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ સહભાગી થાય છે. હાલમાં “સુપોષિત-સાક્ષર-સશક્ત ભારત”ના નિર્માણ માટે IIPH, ગાંધીનગર ખાતે છઠ્ઠા રાષ્ટ્રીય પોષણ માસની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં કુપોષણને નાથવા માટે રાજ્યના મહિલા-બાળ વિકાસ તથા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના પ્રોજેક્ટ ‘તૃષ્ટિ’ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

પ્રોજેક્ટ ‘તૃષ્ટિ’ની શરૂઆત દેવભૂમિ દ્વારકામાં કુપોષણને નાથવા માટે ડિસેમ્બર 2019માં કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ કુપોષણ નિવારવા માટે નવીન મોડલ ડિઝાઇન અને અમલીકરણ કરવાના પ્રયાસોને પુરક બનાવવાનું કાર્ય કરી રહી છે. આયુષ વિભાગના સહયોગથી આ પહેલના ભાગરૂપે કિશોરી મેળો, પોષણ મેળો, મેડિકલ કેમ્પ, પોષણ રેલીઓ, પોષણ શપથ, ગર્ભસંસ્કાર શિબિરો જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં IEC મટિરિયલ્સ,  અન્ન”, સંકલિત બાળવિકાસ હેઠળ આપવામાં આવતા ટેક-હોમ રાશનના વપરાશને પ્રોત્સાહન આપવા માટે રેસીપી નિદર્શન, પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ જાગૃતિ વિશે વ્યાપક અભિગમ કેળવવાનો છે.

રાજ્યમાં પોષણ માસની ઉજવણી દરમિયાન કુલ 4,186  લાભાર્થીઓ જેમાં સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ, પાંચ વર્ષથી ઓછી વયના બાળકોના માતા-પિતા, અન્ય સમુદાયના સભ્યો અને ફ્રન્ટ લાઇન કાર્યકરો સુધી પહોંચવાના બહુવિધ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પંચાયતોને કુપોષણ-મુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સરપંચો અને ગામોમાં બાળકોની પોષણની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો દર્શાવનારા પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે બાળ કુપોષણ સારવાર કેન્દ્રોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ ‘તુષ્ટિ’માં આઈ.વાય.સી.એફ  વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવા તેમજ અન્ય વ્યવસ્થાઓ અંગે જાગૃતિ લાવવા માટે તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનિમિયા અને પોષણને મજબૂત કરવાની પ્રવૃત્તિઓ માટે આંગણવાડી કાર્યકરો અને કિશોરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી પોષણ અને આરોગ્ય વિશે જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ પહેલ “અપના મુદ્દા, અપની બાત”નું દૂરદર્શન પર જીવંત પ્રસારણ પણ મહત્વનું માધ્યમ બન્યું હતું. (file photo)