અમદાવાદઃ રાજ્યમાં આજે રક્ષાબંધન પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન લીધું હતું. આ ઉપરાંત ભૂદેવોએ જનોઈ બદલીને નારિયેલીપૂર્ણિમાની ઉજવણી કરી હતી. શ્રાવણ મહિનાની પૂનમ નિમિત્તે વિવિધ મંદિરોમાં સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. આમ રાજ્યભરમાં આજના પાવન દિવસની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના આ પર્વની રાજ્યની બહેનો સાથે ઉજવણી કરી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યો અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થિત સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી G20 અને ચંદ્રયાન-૩ જેવા વિવિધ વિષયો દર્શાવતી 325 ફૂટ લાંબી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આશરે 42 જેટલા વિદ્યાર્થીઓએ 8 દિવસના સમયમા જ આશરે 100 મીટર કાપડના ઉપયોગથી આ રાખડી બનાવી છે, જેમાં ભારત અને ગુજરાતની અસ્મિતા, ભારતની G20ની અધ્યક્ષતા, ચંદ્રયાન-૩ની સફળતા જેવા વિવિધ વિકાસ વિષયોને આવરી લેવામાં આવ્યા છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ધાર્મિક માહોલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પીપલોદ સ્થિત વૃદ્ધાશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. વૃદ્ધાઓના હસ્તે રાખડી બંધાવવાની સાથે સાથે તેમના આશીર્વાદ મેળવી અને જવાબદારી પૂરી કરવાની વચન માંગ્યું હતું. વૃદ્ધોએ ગૃહ મંત્રીને શાલ ઓઢાડીએ આભાર વ્યક્ત કર્યો હતો. શહેર પોલીસની શી ટીમ દ્વારા પણ ગૃહ મંત્રીને રાખડી બાંધવામાં આવી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, માત્ર રાખડી બાંધી સોશિયલ મીડિયા પર ફોટા મૂકવાથી કંઈ થવાનું નથી. પોલીસ માતા પિતા અને દીકરા વચ્ચે બ્રિજ બનવાનું કામ કરે છે. 50% લોકોને પણ આવા વિચારો આપવામાં સફળતા મળશે, તો અમે સફળ ગણાશુ. માં અંબાના ચરણોમાં આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થાય તેનાથી મોટો અવસર કોઈ જ ન હોઈ શકે. તમારા સગા દીકરા ભલે ન હોય પણ પોલીસ તેનાથી ઓછી નહીં હશે.