Site icon Revoi.in

ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગીતકાર અને લેખક દુલા ભાયા કાગની જન્મજ્યંતિની ઊજવણી

Social Share

અમદાવાદઃ ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગીતકાર અને લેખક દુલા ભાયા કાગની જન્મજ્યંતિની  ઊજવણી કરીને તેમના લોક સાહિત્યના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.  તેમની  સાહિત્યિક કૃતિઓ અને સાહિત્યના માધ્યમથી સમાજના ઉત્થાન માટે કરેલી કામગીરીને પણ યાદ કરવામાં આવી હતી.

ભાવનગરના મજાદર ગામમાં દુલા ભાયા કાગનો ચારણ પરિવારમાં તા. 25મી નવેમ્બર 1902ના રોજ જન્મ થયો હતો. મધુર ચારણી ભાષામાં તેમને વંચિત, શોષિત,  પીડિત, દલિત, શોષિતની વ્યથા-કથાને સમાજ સમક્ષ મૂકી હતી. યુવાનીમાં તેમણે ગાંધીવાદી રચનાત્મક પ્રવૃત્તિઓ, મદ્યનિષેધ કાર્ય તેમજ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. આ ઉપરાંત કૃષિ અને ગોપાલન પ્રવૃત્તિ સાથે તેમણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, પરંતુ પોતાની કોઠાસુઝથી તેમને અનેક સાહિત્યિક કૃતિઓની રચના કરી હતી. તેમના ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો, ગાંધી દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન રચેલ ગીતો ધરાવતી કાગવાણી ગ્રંથમાળા ખૂબ જ જાણીતી છે. તેમની કાગવાણીના  કુલ ભાગ ૮, ચન્દ્રબાવની, સોરઠબાવની, વિનોબાબાવની, શક્તિચાલીસા, ગુરુમહિમા, વગેરે તેમની જાણીતી સાહિત્યિક કૃતિઓ છે. આજે પણ વિદ્વાન સાહિત્યકારો અને વિવેચકો તેમના કાવ્યોને વગડાઉ પંખીના ટહુકા અને તેમને લોક કવિતાના કબીર વડ તરીકે માન સન્માન આપે છે. સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપનારા કવિશ્રી દુલા ભાયા કાગને ભારત સરકારનો પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો હતો. તેમણે 22મી ફેબ્રુઆરી 1977ના અંતિમ શ્વાસ લીધા હતા. તેમના સ્મરણમાં પોસ્ટ વિભાગ દ્વારા ટપાલ ટિકિટ પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગીતકાર અને લેખક “દુલા ભાયા કાગની જન્મભૂમિ મજાદર ગામ કાગધામ તરીકે માત્ર ગુજરાત કે ભારત જ નહીં સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ છે.