ગુજરાતમાં વિજ્યાદશમીની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રોની પૂજા કરી
અમદાવાદઃ અસત્ય ઉપર સત્યના પર્વ વિજ્યાદશમીની આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે તેમણે વધુમાં જણાવ્યુ કે, શસ્ત્ર દરેક માટે જુદા જુદા હોય છે. દરેકને મળેલી જવાબદારી નિષ્ઠાથી નિભાવીએ તો એ વિજય છે, શસ્ત્રનો સદુઉપયોગ છે. કેટલાકની જીભ શસ્ત્ર જેવી હોય હોવાની રમૂજ કરી હતી. રામ રાજ્યની કલ્પના સાકાર થાય તે જરૂરી છે, રામ રાજ્યની કલ્પનાને વડાપ્રધાન લઈ જઈ રહ્યા છે. દરેક માટે શસ્ત્ર બંદૂક તોપ કે એ ન હોય શકે. તેથી જે જવાબદારી મળી છે તે નિષ્ઠાપૂર્વક અદા કરી તે પૂજન જ છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સવારે શાસ્ત્રોક્ત વિધી સાથે શસ્ત્ર પૂજા કરી હતી. શસ્ત્ર પૂજા બાદ મુખ્યમંત્રી પોલીસ અધિકારીઓને મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ ઉત્સવે આપણે સૌએ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે. દશેરાના પાવનપર્વ ઉપર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશની ધર્મપ્રેમી જનતાને વિજ્યાદશમીની શુભકામનાઓ પાઠવી હતી.