Site icon Revoi.in

ચાંદોદમાં નર્મદાના કિનારે મહાઆરતી, ચૂંદડી મનોરથ સાથે નર્મદા મૈયાના પ્રાગટ્ય દિનની ઊજવણી

Social Share

વડોદરાઃ નર્મદા મૈયાના પ્રાગટ્ય દિન નર્મદા જયંતીની યાત્રાધામ ચાંદોદ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પૂજન અર્ચન, મહા આરતી અને ચુંદડી મનોરથ સાથે ભક્તિસભર ઊજવણી કરાઈ હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાજી અનેર નામો ઓળખાય છે. નર્મદાના રેવા, સાંકરી, પુણ્ય સલીલા,પતિત પાવની, રુદ્ર દેહા જેવા વિવિધ નામોથી શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રસ્થાને રહ્યા છે, મહા સુદ સાતમની તિથિ એટલે નર્મદાજી નો પ્રાગટ્ય દિન હોય ગુજરાતના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે માં નર્મદાજીના પ્રાગટ્ય દિન “નર્મદા જયંતી” ની અનેકવિધ ધાર્મિક આયોજનો સાથે શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી સવારે પ્રભાત ફેરી સહિત નર્મદાયાગ, વિશેષ પૂજા અર્ચા તેમજ નર્મદાજીના પ્રાગટ્ય સમયે બપોરના 12:00 કલાકે મહા આરતી અને માતાજીને ચુંદડી-સાડી અર્પણ કરવાનો મનોરથ યોજાયો હતો.

ચાંદોદના નર્મદાજીના કિનારે ભક્તોએ નર્મદાજીના પુણ્ય સ્નાનના લાભ સાથે શ્રીફળ ચૂંદડી કુમકુમ દૂધ પુષ્પ જેવી સામગ્રી નર્મદા મૈયા ને અર્પણ કરી માતાની કૃપા યાચી હતી ચાંદોદ સમસ્ત બ્રહ્મ સમાજ, નાવિક શ્રમજીવી મંડળ, માં રેવા ભક્તિ સંગઠન, રેવા સેવા સમિતિ, ધર્મ પ્રવૃત્તિ મંડળ સહિતના મંડળો અને નગર તેમજ બહારથી આવેલા યાત્રાળુઓ-શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભેર નર્મદા જયંતી ના અવસરમાં જોડાયા હતા અને આનંદ ઉલ્લાસ અને ભક્તિ ભાવપૂર્વક માં નર્મદાજી ના પ્રાગટ્ય દિન “નર્મદા જયંતી’ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોડી સાંજે વિવિધ કિનારાઓ ઉપર દીપ દાન, ભજન કીર્તન અને આતશબાજી ના કાર્યક્રમો પણ યોજાયા આમ પૂર્ણ શ્રદ્ધા અને આસ્થાભેર ચાંદોદ કાંઠાના માઇ ભક્તોએ નર્મદા જયંતીના પાવન દિનની અત્યંત શ્રદ્ધા ભક્તિથી ઊજવણી કરી હતી.