Site icon Revoi.in

ગુજરાતના આ શહેરના સંગ્રહાલયમાં વિધ્નહર્તાની પ્રાચીનત્તમ પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર

Social Share

અમદાવાદઃ વેદ વર્ણિત પંચ દેવતા પૈકીના એક ગણપતિ મહારાજ જીવમાત્રનું કલ્યાણ કરવા માટે ભાવિકોના આંગણે પધારી રહ્યા છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વે રાજ્યના વિવિધ પંડાલોમાં બપ્પાના સ્થાપન થવાના છે. દરમિયાન વડોદરામાં એક એવું સ્થળ છે, જ્યાં બપ્પાની પ્રાચીનત્તમ પ્રતિમાઓ સંચવાયેલી પડી છે. આ સ્થળ છે વડોદરાનું સંગ્રહાલય ! જ્યાં ગુપ્તકાળથી માંડીને આધુનિક કાળની વિવિધ ભગ્ન મૂર્તિઓ બિરાજમાન છે.

ભારત વર્ષના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવતા વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીના પ્રવેશ દ્વારા પૂર્વે ઉદ્યાનમાં ગણપતિ બાપાની બે પ્રતિમાઓના દર્શન થાય છે. તે પૈકી મુખ્ય મૂર્તિ કાળા રેતપાષણમાંથી બનેલી છે. દક્ષિણ ભારતમાંથી મળી આવેલી આ પ્રતિમા અહીં રાખવામાં આવી છે. આ મૂર્તિ આઠમી સદીની હોવાનું માનવામાં આવે છે. એક જ પથ્થરમાંથી બનાવેલી પ્રતિમાનું પેટ ગોળાકાર અને તેના ઉપર બે સર્પો, લંબકર્ણ અને તેમાં પર્ણાકાર અલંકાર, સુંઢ ડાબી બાજુએ છે. ચતુર્ભુજ, એક હાથમાં ગદા, મોદક, આયુધ અને કમળ હોવાનું ભાસિત થાય છે. ઉદ્યાનમાં તેની પાછળ પીળા રેતપથ્થરમાંથી બનેલી બપ્પાની મૂર્તિ છે. આઠમી સદીના આ મૂર્તિ રોડામાંથી મળી આવી હતી. આ મૂર્તિના ભાલે તિલક, ભગ્ન દંત, મુગુટ, મોદકનું શિલ્પકર્મ તેમાં જોવા મળે છે.

મ્યુઝિયમની અંદર રહેલી નાની મોટી કુલ ચાર પ્રતિમાઓ પૈકી એક બહુ જ રસપ્રદ જોવા મળે છે. બાકીની તમામ મૂર્તિઓમાં સુંઢ ડાબી તરફ તો આ પ્રતિમામાં સુંઢ જમણી તરફ જોવા મળે છે. આ સુંઢ ભગ્નાવસ્થામાં છે. પણ તેને પ્રણવ મુદ્રામાં હોવાનું સહજ માની શકાય છે. એટલે એના સુંઢના આકારમાંથી ઓમકાર બને છે. ૧૦મી સદીના આ મૂર્તિમાં સાંગીતિક વાદ્યો સાથે યક્ષયક્ષિણીઓ પણ છે. સામાન્ય રીતે આ મૂર્તિઓ બહુ જોવા મળતી નથી. એવું માનવામાં આવે છે કે જમણી તરફ સુંઢ ધરાવતા ગણપતિ બાપાની મૂર્તિને અપૂજ રાખી શકાતી નથી. બીજી માન્યતા એવી પણ છે કે, ખંડિત મૂર્તિને પૂજી શકાતી નથી. ઉદ્યાનમાં ગણપતિ બાપ્પાના અગ્રજ ભગવાન કાર્તિકેયની પણ એક પ્રાચીન પ્રતિમા છે.

પાંચમી સદીની એક બીજી પ્રતિમામાં ગણપતિ દાદાને અનુચર સાથે દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે બપ્પા સાથે મૂષક મહારાજ હોય છે પણ અહીં અનુચરનો ટેકો લઇ દાદા ઉભા છે. કાલા પથ્થરથી બનેલી આ પ્રતિમા અણહિલવાડ (ઉત્તર ગુજરાતના રોડા, ઇડર)થી મળી આવેલી છે. તેની જમણી ભૂજા ભગ્ન છે. તેના ઉપર સર્પ છે.

માતા પાર્વતી સાથે બાલ ગણેશની કાળા પથ્થરની છઠ્ઠી સદીની એક સુંદર પ્રતિમા અહીં રાખવામાં આવી છે. જેમાં ગણેશ અને બાલ ગણેશની લંબાઇ એક સરખી છે. હાથમાં આયુધ અને મૂષક મહારાજ છે. આ તમામ પ્રતિમાઓ ગુજરાતના શિલ્પકળાના સુવર્ણકાળની ઝાંખી કરાવે છે. ખાસ કરીને સધરા જેસંગના માતા મિનળ દેવીના સમયકાળમાં થયેલા બાંધકામની સાક્ષી પૂરે છે. આ ઉપરાંત, એક સ્ફટિકના ગણપતિ બાપા પણ અહીં રાખવામાં આવ્યા છે. તે ગાયકવાડીકાળના હોવાનું માનવામાં આવે છે.

એક ખાસ પ્રકારના ગણપતિ બાપાના દર્શન અહીં થાય છે. ચંબા રૂમાલમાં ગણપતિ બાપાનું સુંદર ગુંથણ કામ કરવામાં આવ્યું છે. હિમાયલ પ્રદેશમાં આવેલું તત્કાલીન રાજ્ય ચંબામાં રેશમ ઉપર અદ્દભૂત રીતે ગુંથણ કામ કરવામાં આવતું હતું. આ રેશમના રૂમાલ બહુધા પૂજાવિધિમાં વપરાતા હતા. ચંબા રૂમાલમાં થયેલા ગુંથણની એ રીતે વિશેષ હતું કે તેને રૂમાલના બન્ને બાજુએથી સરખુ દ્રષ્ય જોઇ શકાય છે. સામાન્ય ગુંથણમાં એક તરફ દોરાઓનો ભાગ રહે છે. વડોદરા સંગ્રહાલયમાં રહેલા આ રૂમાલમાં બન્ને તરફ ગણપતિ બાપા અને ચંબાના રાજવીને જોઇ શકાય છે.

આ ઉપરાંત વડોદરાના સંગ્રહાલગમાં કાષ્ઠમાં બનેલા બાપ્પા છે. જો કે, તે ડિસ્પ્લેમાં નથી મૂકાયા. આમ જોવા જઇએ તો ‘સંગ્રહાલય કા રાજા’ ભારત ભૂમિના બેનમૂન વારસાની ઝાંખી કરાવે છે.