ટામેટાના વધતા ભાવ વચ્ચે કેન્દ્રએ લીધું મોટું પગલું, શુક્રવારથી ગ્રાહકોને મળશે રાહત
દિલ્હી : દેશના ઘણા ભાગોમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. જથ્થાબંધ મંડીઓમાં પણ તેની કિંમત 150 થી 180 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. બજારના જાણકારોના મતે છેલ્લા પખવાડિયામાં જ બજારમાં ટામેટાંના ભાવ ચાર ગણા અને કેટલીક જગ્યાએ તેનાથી પણ વધી ગયા છે.
કેન્દ્રએ નાફેડ, NCCFને મુખ્ય વપરાશ કેન્દ્રોમાં વિતરણ માટે આંધ્ર, કર્ણાટક, મહારાષ્ટ્રમાંથી ટામેટાં ખરીદવાનો નિર્દેશ આપ્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર શુક્રવારથી દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ગ્રાહકોને સબસિડીવાળા ભાવે રિટેલ આઉટલેટ્સ દ્વારા ટામેટાંનું વિતરણ કરવામાં આવશે.
ગાઝિયાબાદના જથ્થાબંધ શાકભાજી માર્કેટમાંથી ટામેટાં ખરીદતા અને છૂટક બજારમાં વેચતા સચિનનું કહેવું છે કે જૂનની શરૂઆતમાં જે ટામેટાં બજારમાં તેની ગુણવત્તાના આધારે 30 થી 40 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા હતા તે હવે 100 થી 180 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.
ટામેટાં ઉપરાંત લીલા મરચાંના ભાવ પણ આસમાને છે. લીલા મરચાનો ભાવ જે છેલ્લા પખવાડિયામાં 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો હતો તે હવે 120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. આદુનો ભાવ પણ 300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. શાકભાજીના ભાવ વધારાને કારણે ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટા પહેલેથી જ રસોડાથી દૂર થઈ ગયા હતા. હવે મરચા અને આદુના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય લોકો પરેશાન છે. ટામેટાં મામલે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાથી લોકોને રાહત મળશે તેવી આશા છે.