દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. એટલું જ નહીં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારએ ગુજરાત સહિત આઠ રાજ્યોને પત્ર લખીને કોરોનાને ફેલતો અટકાવવા માટે મજબુત પગલા લેવા માટે તાકીદ કરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર કોરોનાના કેસોમાં અચાનક વધારો થયા બાદ કેન્દ્ર સરકારે 8 રાજ્યોને વિશેષ સૂચનાઓ આપી છે. કેન્દ્રએ સ્પષ્ટપણે આ રાજ્યોને કોરોનાના ફેલાવાને રોકવા માટે ‘મજબૂત પગલાં લેવા’ કહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગુરુવારે દિલ્હી, હરિયાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ઝારખંડને પત્ર લખ્યો છે. તેમણે આ રાજ્યોને COVID19 પરીક્ષણ વધારવા, હોસ્પિટલ સ્તરની સજ્જતાને મજબૂત કરવા, રસીકરણની ઝડપ વધારવા અને કવરેજ વધારવાની સલાહ આપી છે.
ગુજરાત, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવાની સાથે જરૂરી દવાઓનો સ્ટોક રાખવામાં આવ્યો છે. કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્ય સરકારોએ ઓક્સિજનની અછત ઉભી ના થાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે.
ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 13,154 નવા કેસ નોંધાયા છે. ભારતમાં ઓમિક્રોનના કેસ વધીને 961 થઈ ગયા. દેશમાં સાપ્તાહિક હકારાત્મકતા દર 0.76 ટકા છે, જે છેલ્લા 46 દિવસથી 1 ટકાથી ઓછો છે. દૈનિક હકારાત્મકતા દર 1.10 ટકા છે જે છેલ્લા 87 દિવસથી 2 ટકાથી ઓછો છે.