અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં ગુનાઓના નિયંત્રણ અને ડિટેક્શન માટે ભારતની ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિશ્વની સૌથી આધુનિક ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ બનાવવાનો મક્કમ નિર્ધાર અમે કર્યો છે. જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સનો ત્રિદિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવતા મંત્રી અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં વિવિધ ક્ષેત્રોએ 50થી વધુ પરિવર્તનકારી નિર્ણયો કર્યા છે.
તેમણે કહ્યું કે, ભારતીય ક્રિમીનલ જસ્ટીસ હવે નવા યુગમાં પ્રવેશી છે. બ્રિટિશ કાળના 150 વર્ષ જૂના આઇ.પી.સી., સી.આર.પી.સી. અને પુરાવા અધિનિયમના સ્થાને નવા કાયદા અમલી બનાવ્યા છે. જે આગામી સમયમાં ગુનેગારોને ગુનો કરતાં તો રોકશે જ, તેની સાથોસાથ સજામાં પણ વધારો કરશે. એટલુ જ નહિ, ફોરેન્સિકના માધ્યમ દ્વારા ગુનાની તપાસમાં પણ વધુ ઝડપ આવશે અને કન્વીક્શન રેટમાં નોંધપાત્ર વધારો થશે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી- NFSU ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આજે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ‘ અને ‘બિહેવિયરલ ફોરેન્સિક્સ‘ વિષયક ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ‘પાંચમું ઈન્ટરનેશનલ અને ૪૪મા ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સ એન્ડ સ્ટેટ-ઓફ -ધ-આર્ટ સેન્ટર ઓફ એક્સેલેન્સ ઈન ડિજિટલ ફોરેન્સિક્સ‘નો શુભારંભ પણ કરાયો હતો.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ અમલી બનાવી છે. જે પૂર્ણ રીતે ભારતીય શિક્ષણ વ્યવસ્થાના આધાર પર વૈશ્વિક સ્તરની બની છે. ગુનાઓના સંશોધનો–તપાસમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધારવાનો અમે ઐતિહાસિક નિર્ણય કર્યો છે અને ફોરેન્સિક તપાસને ગુનાની તપાસનો એક ભાગ બનાવ્યો છે. જેના પરિણામે આગામી સમયમાં વ્યાપક રોજગારીનું નિર્માણ થશે. આગામી પાંચ વર્ષ પછી પ્રતિ વર્ષ 9000 થી વધુ વિદ્યાર્થીઓને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે રોજગારી મળતી થશે.
તેમણે ઉમેર્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સ્થાપના કરી હતી જેને વર્ષ 2003માં રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપીને નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી બનાવી એ આજે વટવૃક્ષ બની છે. દેશમાં હાલ નવ જગ્યાએ અને એક યુગાન્ડા ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેન્દ્રો કાર્યરત છે અને આગામી સમયમાં 9 રાજ્યોમાં નવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.
ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં આ ક્ષેત્રે ટેકનોલોજીયુક્ત આધુનિક પોલીસિંગ, ટેકનોલોજીનો ઉપયોગ હાઈબ્રીડ અને મલ્ટી ડાયમેન્શનલ થ્રેટ તેમજ ક્રિમિનલ જસ્ટિસને વિશ્વની આધુનિક વ્યવસ્થા બનાવવી આમ ચાર પડકારો આપણી સામે છે. સૌને ઝડપી ન્યાય મળે તે અતિ આવશ્યક છે. તેના માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો પડશે. પૂ. કનૈયાલાલ મુનશી કહેતા હતા કે, પોલીસે ગુનેગારથી બે પગલાં આગળ ચાલવું પડશે પણ અત્યારે આપણે ગુનેગારોથી બે જનરેશન આગળ રહેવું પડશે તો જ ગુના અટકાવી શકાશે. ટેકનોલોજીના ઉપયોગથી દરેક વ્યક્તિ દેશને મદદરૂપ થઇ શકે તેવુ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે અંગ્રેજો વખતના 150 વર્ષ આઇ.પી.સી. સી.આર.પી.સી અને તે વખતના પુરાવા અધિનિયમ કાયદાઓ બદલીને આપણે નાગરિકોને દંડ નહીં પણ ન્યાય અપાવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય પુરાવા બિલ એમ ત્રણ નવા કાયદા અમલી બનાવ્યા છે. આ કાયદામાં સૌથી પહેલા મહિલાઓ અને બાળકોના સામે થતાં અપરાધ અટકાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્રણ કાયદામાં 100 વર્ષમાં આવનાર ટેકનોલોજીને ધ્યાને લઇને તેમાં ફેરફાર કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ન્યાય પ્રણાલી વધુ મજબૂત બનશે અને ત્રણ વર્ષમાં પડતર FIRનો ઉકેલ આવશે. અત્યારે ઇ-ગવાહીના પરિણામે તેઓના ઉકેલ લાવવામાં ખૂબ ઝડપ આવી છે. આ ત્રણ કાયદામાં ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થવાનો છે જેનો અભ્યાસ તમને આ ક્ષેત્રે ભરપૂર નવીન તકો ઉપલબ્ધ કરાવશે.
આ ઉપરાંત એ.આઇ.ની મદદથી ડેટા ઇન્ટિગ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં દેશમાં અંદાજે આઠ કરોડ FIR ઓનલાઇન નોંધાઇ છે. પર્વતીય વિસ્તારના સ્થાનને બાદ કરતાં તમામ પોલીસ સ્ટેશન ઓનલાઇન જોડવામાં આવ્યા છે. ગુનેગારો, બાળ તસ્કરો, આતંકવાદી સંગઠનોના ડેટાને ઓનલાઇન કરવામાં આવ્યા છે. આ માટે એક સોફ્ટવેર તૈયાર કરીને AIની મદદથી તમામ ડેટાનું એનાલીસીસ કરવામાં આવશે. આ વ્યવસ્થા આગામી ત્રણ વર્ષમાં કાર્યરત કરવાનું આયોજન છે. આ વન ડેટા વન એન્ટ્રીના સિદ્ધાંત પર કામ કરવા નવા સોફ્ટવેર તૈયાર કરવા પડશે. જેમાં NFSUના વિદ્યાર્થીઓની મહત્વની ભૂમિકા મહત્વની રહેશે.