કંડલાના દીનદયાળ પોર્ટમાં PPP ધોરણે બિલ્ડ, ઓપરેટર અને કન્ટેનર ટર્મિનલના વિકાસને મંજુરી
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ કંડલાના દીનદયાળ પોર્ટ પર તુણા-ટેકરી ખાતે જાહેર-ખાનગી ભાગીદારી હસ્તક બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) માધ્યમથી કન્ટેનર ટર્મિનલ વિકસિત કરવાની મંજૂરી આપી છે. રૂ. 4,243.64 નો સંભવિત ખર્ચ કન્સેશનિયરના ભાગે રહેશે. જ્યારે સામાન્ય યુઝર સુવિધાઓનો રૂ. 296.20 કરોડનો ખર્ચો કન્સેશનિંગ ઓથોરિટીનો ભાગ રહેશે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી, ભવિષ્યમાં કન્ટેનર કાર્ગો ટ્રાફિકમાં થતી વૃદ્ધિમાં તે સહાયતા પૂરી પાડશે. 2025 સુધીમાં, 1.88 મિલિયન TEUs નો નેટ ગેપ ઉપલબ્ધ થશે જે તુણા ટેકરી દ્વારા પૂરો કરી શકાય છે. તુણા ખાતે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલનો વિકાસ થવાથી વ્યૂહાત્મક લાભ પણ થશે. કારણ કે તે બંધ કન્ટેનર ટર્મિનલ હશે જે ઉત્તર ભારતના વિસ્તારો (જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન) ના મોટા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપશે. કંડલાની વ્યાપારિક ક્ષમતામાં વધારો કરવા ઉપરાંત, આ પ્રોજેક્ટ અર્થતંત્રને વેગ આપશે અને રોજગારીનું સર્જન કરશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આ દીનદયાળ પોર્ટના અદ્યતન વિકાસ માટેના કાર્યને મંજૂરી આપવા અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો હ્યદયપૂર્વક આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, 1600 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક સમુદ્ર કિનારો ધરાવતું ગુજરાત દેશના કુલ કાર્ગો હેન્ડલીંગમાં 40 ટકાનું યોગદાન આપે છે. હવે, દીનદયાળ પોર્ટના આ નવતર વિકાસ માટે કેન્દ્રીય કેબિનેટની મળેલી મંજૂરીના પરિણામે ગુજરાત દરિયાઇ માર્ગે વેપાર માટે અન્ય રાજ્યો માટે મહત્વપૂર્ણ રાજ્ય બનશે. એટલું જ નહિ, પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત વધુ સક્રિયતાથી યોગદાન આપી શકશે.
આ પ્રસ્તાવિત પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફતે ખાનગી ડેવલપર/બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (BOT) ઓપરેટર દ્વારા BOT ધોરણે વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. 30 વર્ષના સમયગાળા સુધી નિયુક્ત કાર્ગો સંચાલન માટે કન્સેશનર (BOT ઓપરેટર) અને કન્સેશન ઓથોરિટી (દીનદયાળ પોર્ટ) દ્વારા અમલ કરાયેલ કન્સેશન એગ્રીમેન્ટ (CA) હેઠળ પ્રોજેક્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ધિરાણ, પ્રાપ્તિ, અમલીકરણ, તેમજ સંચાલન અને જાળવણી માટે કન્સેશનર જવાબદાર રહેશે. કન્સેશનિંગ ઓથોરિટી કોમન એક્સેસ ચેનલ અને કોમન રોડ જેવા કોમન સહાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જવાબદાર રહેશે.
આ પ્રોજેક્ટમાં રૂ. 4,243.64 કરોડના ખર્ચે સંલગ્ન સુવિધાઓ સાથે એક સમયે ત્રણ જહાજોને હેન્ડલ કરવા માટે ઑફ-શોર બર્થિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ અને વાર્ષિક 2.19 મિલિયન TEUs ની હેન્ડલિંગ ક્ષમતાનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટ 6000 TEUના 14 m ડ્રાફ્ટના જહાજોને સુવિધા પૂરી પાડશે અને તેના માટે 15.50mની ક્ષમતાની કોમન ચેનલ બનાવવામાં આવશે જે ચોવીસ કલાક સુધી 14m ડ્રાફ્ટના જહાજોને નેવિગેટ કરશે. તેનું નિર્માણ અને સંચાલન ક્ન્સેશનિંગ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે. કન્સેશન પીરિયડ દરમિયાન કન્સેશનર પાસે 18mની ડ્રાફ્ટ સુધીના જહાજોને હેન્ડલ કરવાની સ્વતંત્રતા હશે. તેના માટે તેઓ અપ્રોચ ચેનલને ઉંડીં, પહોળી કે બર્થ પોકેટ અથવા તો ગોળાકાર કરી શકે છે. ડ્રાફ્ટ વધારવાની દરખાસ્ત સમયે એક્સેસ ચેનલને કન્સેશનિંગ ઓથોરિટી અને કન્સેશનર વચ્ચે ખર્ચની ભાગીદારી કરીને પરસ્પર કરારના આધારે વધારી શકાય છે.