દિલ્હી:આ દિવસોમાં પાકિસ્તાન ખૂબ જ ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યું છે. મોંઘવારીથી પરેશાન લોકો વચ્ચે અથડામણો સામે આવે છે. દરમિયાન, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા નિર્ધારિત શરતો અનુસાર વ્યાજ દરમાં 300 બેસિસ પોઈન્ટ્સ (bps) નો જંગી વધારો કર્યો છે, જે તેને 20 ટકાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે લઈ ગયો છે.
પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે વધતી જતી મોંધવારીને નાથવા માટે જાન્યુઆરી 2022 થી વ્યાજ દરમાં 300 bps નો વધારો કરીને કુલ વધારો 1,050 bps કર્યો છે.સ્થાનિક અહેવાલો અનુસાર, નાણાકીય નીતિ સમિતિની બેઠક 16 માર્ચે મળવાની હતી.જોકે, MPC એ અર્થતંત્ર માટે ઉભરતા જોખમોનો સામનો કરવા માટે તેની સાથે આગળ વધવાનું નક્કી કર્યું, જેમાં રેકોર્ડ ફુગાવાના આંકડાનો સમાવેશ થાય છે, જે ફેબ્રુઆરીમાં 31.5 ટકાની લગભગ 50 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
SBP એ 2 માર્ચે એક ટ્વિટમાં લખ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટીએ આજે તેની બેઠકમાં પોલિસી રેટમાં 300 બેસિસ પોઈન્ટ્સ વધારીને 20 ટકા કરવાનો નિર્ણય લીધો છે.અન્ય એક ટ્વીટમાં, SBP એ લખ્યું કે આ નિર્ણય ફુગાવાના દૃષ્ટિકોણમાં ડાઉનગ્રેડ અને તાજેતરના બાહ્ય અને નાણાકીય ગોઠવણો વચ્ચે તેની અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.
પાકિસ્તાનમાં હાલમાં વાર્ષિક ફુગાવાનો દર 31.7 ટકા છે.ફેબ્રુઆરીમાં ખાદ્ય અને પેટ્રોલિયમ સિવાયના અન્ય ક્ષેત્રોનો ફુગાવાનો દર શહેરોમાં 17.1 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 21.5 ટકા નોંધાયો હતો.વિશ્લેષકોના મતે વ્યાજ દરમાં ભારે વધારો ફુગાવાના દરમાં થોડો ઘટાડો લાવી શકે છે, પરંતુ તેનાથી દેશના આર્થિક વિકાસ પર ખરાબ અસર પડશે.
IMFએ ફુગાવાને કાબૂમાં રાખવા અને નાણાકીય સ્વાસ્થ્ય સુધારવાની શરત મૂકી છે.શહબાઝ શરીફ સરકારે રાજકોષીય સ્વાસ્થ્યને સુધારવા માટે તાજેતરના ઘણાં પગલાં લીધાં છે, જેમાં વેચાણવેરા અને આબકારી જકાતમાં વધારો, ઊર્જાના ભાવમાં વધારો અને સરકારી ખર્ચ ઘટાડવાનાં પગલાંનો સમાવેશ થાય છે.સરકારને આશા છે કે આ પગલાંથી તેની ખોટ ઓછી થશે.