ગાંધીનગરમાં કેન્દ્રિય ચૂંટણી પંચના અધિકારીઓની સોમવારે તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજાશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. તમામ રાજકિય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં તાજેતરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ચૂંટણી અધિકારીઓને ચૂંટણી લક્ષી તાલીમ અપાયા બાદ હવે આગામી તા. 11મીને સોમવારે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ ગાંધીનગરમાં પડાવ નાખી જિલ્લા કલેક્ટરોને ખાસ તાલીમ અને માર્ગદર્શન આપશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રિય ચૂંટણી પંચના અધિકારીઓ તા.11મીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ચૂંટણી અધિકારીઓ રાજ્યના મુખ્ય સચિવ, રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે અને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. તમામ કલેક્ટરોની પંચના અધિકારીઓ સાથે બેઠક યોજાશે.અમે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સંદર્ભે પણ ચર્ચા કરાશે. યુવા મતદારોના મતદાર યાદીમાં વધુને વધુ નોંધાઈ તે માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત મહિલા મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરાયા નથી તેવા વિસ્તારોમાં સર્વે કરી મહિલા મતદારોનાં નામ મતદાર યાદીમાં ઉમેરાઈ તે માટે પણ સર્વે કરી નામ ચડાવવા માટે તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.
આગામી વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ રાજકીય પક્ષોની સાથે વહીવટી તંત્ર પણ આ ચૂંટણી ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણ યોજાઈ તે માટે અત્યારથી જ સજ્જ બની રહ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચનાં અધિકારીઓ આગામી સોમવારે ગાંધીનગર આવશે. રાજ્યભરના તમામ જિલ્લા કલેક્ટરોને તેડુ મોકલી ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. તમામ જિલ્લા કલેક્ટરોને ચૂંટણી પંચનાં અધિકારીઓ દ્વારા આગામી ચૂંટણી અને મતદાર યાદી સંદર્ભે ખાસ તાલીમ આપવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે,રાજકોટ જિલ્લામાં મતદાન મથકોના પુન:ગઠન અને વધારા અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને પરામર્શ બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ, રિટર્નિંગ ઓફિસરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લામાં નવા બૂથ વધારવા દરખાસ્ત કરાઈ હતી. જેને ચૂંટણીપંચમાં મોકલવામાં આવી છે..