Site icon Revoi.in

મંકીપોક્સને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ, તમામ રાજ્યોને સાબદા રહેવા તાકીદ

Social Share

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સના કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ અન્ય દેશોમાં મોટી સંખ્યામાં કેસ સામે આવતા ભારત સરકાર પણ એલર્ટ બની છે. તેમજ દેશના રાજ્યોને સાવધ રહેલા સૂચના આપી છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે મંકીપોક્સને લઈને એડવાઈઝરી જાહેર કરી છે.

ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, મંકીપોક્સ એક વાયરલ ઝૂનોટિક બીમારી છે. તે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે અને પછી માણસથી માણસમાં ફેલાય છે. હાલમાં ભારતમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ અન્ય દેશોમાં કેસને જોતા કેન્દ્રીય આરોગ્ય વિભાગે તમામ રાજ્યોને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચના બાદ મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે મંકીપોક્સને લઈને એડવાઈઝરી પણ જાહેર કરી છે.

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે પણ મંકીપોક્સને લઈને એક એડવાઈઝરી જાહેર કરીને કહ્યું છે કે, છેલ્લા 21 દિવસમાં અસરગ્રસ્ત દેશોમાં પ્રવાસ કરનારા તમામ શંકાસ્પદ દર્દીઓ ઉપર નજર રાખવામાં આવશે. શંકાસ્પદ દર્દીઓની માહિતી સ્થાનિક જિલ્લા અધિકારી તરફથી તાત્કાલિક આરોગ્ય વિભાગને આપવા સૂચના આપવામાં આવી છે. આવા દર્દીઓની સારવાર કરતી વખતે તમામ ચેપ નિયંત્રણ પદ્ધતિઓનું પાલન કરવું જોઈએ. રિપોર્ટ પોઝિટિવ આવે તો કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવાનું રહેશે. શંકાસ્પદ દર્દીઓના લોહી, થુંક અને જરૂરી નમૂના પરિક્ષણ માટે એનઆઈવી પૂણે મોકરવાના રહેશે.  જે લોકો છેલ્લા 21 દિવસમાં દર્દીના સંપર્કમાં આવ્યા છે તેમને તાત્કાલિક ઓળખી કાઢવા પડશે અને તેમને આઈસોલેટ કરવા પડશે. જ્યાં સુધી શંકાસ્પદ દર્દીઓના તમામ ઘા રૂઝાઈ ન જાય અને ત્વચાનું નવું સ્તર ન બને ત્યાં સુધી આઈસોલેશન સમાપ્ત થઈ શકતું નથી અને ત્યાં સુધી તેને અલગ રાખવું પડશે.