પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ (HLC)એ 2022 દરમિયાન પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) હેઠળ વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે.
HLC એ NDRF તરફથી પાંચ રાજ્યોને રૂ. 1,816.162 કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે.
આસામને રૂ. 520.466 કરોડ, હિમાચલ પ્રદેશને રૂ. 239.31 કરોડ, કર્ણાટકને રૂ. 941.04 કરોડ, મેઘાલયને રૂ. 47.326 કરોડ, નાગાલેન્ડને રૂ. 68.02 કરોડની સહાય કરવામાં આવી છે.
આ વધારાની સહાય રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માં કેન્દ્ર દ્વારા રાજ્યોને જાહેર કરાયેલા ભંડોળ કરતાં વધુ છે, જે રાજ્યોના નિકાલ પર પહેલાથી જ મૂકવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કેન્દ્ર સરકારે 25 રાજ્યોને તેમના SDRFમાં રૂ.15,770.40 કરોડ અને NDRF તરફથી 4 રાજ્યોને રૂ.502.744 કરોડ રિલિઝ કર્યા છે. કેન્દ્ર સરકારે તેમના તરફથી મેમોરેન્ડમની પ્રાપ્તિની રાહ જોયા વિના, આફતો પછી તરત જ આ રાજ્યોમાં આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમો (IMCTs) નિયુક્ત કરી હતી.