Site icon Revoi.in

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકો માટે MSPને મંજૂરી આપી

Social Share

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ આવશ્યક ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાને મંજૂરી આપી હતી. ખેડૂતોને મોટી ભેટ આપતા મોદી સરકારે 14 ખરીફ પાકોના MSPમાં વધારો કર્યો છે. મોદી સરકારે માર્કેટિંગ સીઝન 2024-25 માટે ખરીફ પાકના MSPમાં વધારો કર્યો છે, જેથી ઉત્પાદકોને તેમની પેદાશોના લાભકારી ભાવો સુનિશ્ચિત કરી શકાય. ગયા વર્ષની સરખામણીમાં, તેલીબિયાં અને કઠોળ માટે એમએસપીમાં મહત્તમ વધારો કરવામાં આવ્યો છે.

ખરીફ સિઝન શરૂ થવાની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે ખેડૂતોને પ્રાથમિકતા આપતા 14 પાક પર MSPને મંજૂરી આપી છે. સરકારનું માનવું છે કે MSP ઓછામાં ઓછો 1.5 ગણો હોવો જોઈએ. ડાંગરની નવી MSP રૂપિયા 2300 કરવામાં આવી છે. તેમાં 117 રૂપિયાનો વધારો થયો છે. 2013-14માં ડાંગરની MSP 1310 રૂપિયા હતી.

કેન્દ્ર સરકારે ખરીફ પાકમાં સમાવિષ્ટ 14 પાકોના MSPમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમાંથી કપાસની MSP 7121 રૂપિયા કરવામાં આવી છે. જેમાં 501 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 2013-14માં કપાસની MSP 3700 રૂપિયા હતી. એ જ રીતે રાગીની MSP 4290 રૂપિયા, મકાઈની MSP 2225 રૂપિયા અને મૂંગની MSP 8682 રૂપિયા કરવામાં આવી છે.