BS6 પેટ્રોલવાળા વાહનોમાં CNG અને LPG કીટ ફીટિંગને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. દરમિયાન સીએનજી કારને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. BS6 પેટ્રોલવાળા વાહનોમાં CNG અને LPG કીટ ફીટિંગને મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે.
કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર 5 ટનથી ઓછા વજનવાળા એન્જિનને સીએનજી અને એલપીજી એન્જિનમાં ફેરવી શકાશે. તેમજ મંત્રાલયે 3.5 ટનથી ઓછા વજનવાળા એન્જિનને સીએનજી અને એલપીજી એન્જિનમાં ફેરવવાની પણ લીલીઝંડી આપી દીધી છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળતા હવે BS6 પેટ્રોલવાળા વાહનોને CNG કે LPGના વાહનોમાં ફેરવી શકાય છે. આવું કરવાથી મોંઘા પેટ્રોલથી બચી જવાશે અને ઓછા ખર્ચમાં સરળતાથી અવરજવર કરી શકાશે. તેમજ વાયુ પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો વાયુ પ્રદુષણનો સામનો કરી રહ્યાં છે. તેમજ પ્રદુષણને અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇ-વાહનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.