કાચા શણની ટેકાના ભાવે ખરીદીની કેન્દ્ર સરકારે આપી મંજૂરી, ભાવમાં રૂ. 250નો વધારો કરાયો
નવી દિલ્હીઃ ખેડૂતોને તેમના પાકનું પુરતુ વળતર મળી રહે તે માટે ટેકના ભાવે ખેડૂતોનું ઉત્પાદનની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કાચા શણના લઘુત્તમ ટેકના ભાવને મંજૂરી આપવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ભાવમાં રૂ. 250નો વધારો કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2022-23 સીઝન માટે કાચા શણ માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપી છે. આ મંજૂરી કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશનની ભલામણોના આધારે આપવામાં આવી છે. કાચા જ્યુટ (TDN3 સમકક્ષ TD5 ગ્રેડ) ની MSP 2022-23 સિઝન માટે પાછલા વર્ષની સરખામણીમાં રૂ.250 ના વધારા સાથે રૂ.4750 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. આનાથી સમગ્ર ભારતના ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં 60.53 ટકા વળતર સુનિશ્ચિત થશે. 2022-23ની સિઝન માટે કાચા શણની જાહેર કરાયેલ MSP, સરકારે 2018-19ના બજેટમાં જાહેર કરેલ ઉત્પાદનની સરેરાશ કિંમતના ઓછામાં ઓછા 1.5 ગણા સ્તરે MSP ફિક્સ કરવાના સિદ્ધાંતને અનુરૂપ છે. નફાના માર્જિન તરીકે ઓછામાં ઓછા 50 ટકાની ખાતરી આપે છે. જ્યુટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (JCI) પ્રાઈસ સપોર્ટ ઓપરેશન્સ હાથ ધરવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે ચાલુ રહેશે અને આવી કામગીરીમાં જો કોઈ નુકસાન થયું હોય તો તેની સંપૂર્ણ ભરપાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.