અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. જો કે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરને લઈને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારોએ આગોતરૂ આયોજન શરૂ કરી દીધું છે. દરમિયાન કેન્દ્ર સરકારે ગ્રામીણ વિસ્તારમાં આઈસોલેશન સેન્ટરો અને કોમ ક્વોરન્ટાઈન સેન્ટરો શરૂ કરવા માટે રાજ્ય સરકારોને નિર્દેશ કર્યાં છે. આ સેન્ટરોમાં કોરોના સંક્રમિત કોરોના પીડિતોની નિશુલ્ક સારવાર કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્દેશ જાહેર કર્યાં છે. જે અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે ક્વોરન્ટાઈ સેન્ટરો તેમજ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં સામાન્ય લક્ષણો અને લક્ષણો વિનાના દર્દીઓની ઓળખ કરી તેમને હોમ હાઈસોલેશન અને ક્વોરન્ટાઈનમાં જ રહેવાનું જણાવાયું છે. હોમ ઈસોલેશનમાં સારવાર લેનાર દર્દીઓને નિ:શુલ્ક દવા અપાશે, તેમજ ઓક્સિજન લેવલ ઓછું ધરાવતા દર્દીઓને મોટી હોસ્પિટલમાં મોકલવા નિર્દેશ કરાયો છે. ગામડાઓમાં આશા વર્કર્સ બહેનો દ્વારા સંક્રમિત લોકોની ઓળખ કરી અલગ તારવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની બીજી લહેરમાં શહેરની સાથે ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયું હતું. જો કે, કેટલાક દર્દીઓ હોમ આઈસેલેટના નિયમનો ભંગ કરીને બહાર ફરતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. જેથી સરકારે સંક્રમણ વધારે ન ફેલાય અને કોરોનાને નાથવા કવાયત વધારે તેજ કરી છે.