નવી દિલ્હીઃ કેન્દ્રએ જમાત-એ-ઇસ્લામી, જમ્મુ-કાશ્મીર પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. આ જૂથને 28 ફેબ્રુઆરી 2019 ના રોજ પ્રથમ વખત ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આતંકવાદ અને અલગતાવાદ માટે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ જૂથની ગતિવિધિઓ દેશની સુરક્ષા, એકતા અને સાર્વભૌમત્વની વિરુદ્ધ છે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓ સામે સરકાર કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
દેશમાં દેશવિરોધી પ્રવૃતિઓને ડામવા માટે કેન્દ્ર સરકાર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિને ડામવા માટે અભિયાન શરુ કર્યું છે. કેન્દ્ર સરકારે આતંકવાદી પ્રવૃતિને ડામવા અને ફંડને અટકાવવા માટે આકરુ વલણ અપનાવ્યું છે.