- વોટર આઈડીને આધાર સાથે લિંક કરવું બન્યું જરૂરી
- વોટર આઈડી સાથે આધાર લિંક કરવાની તારીખ લંબાવાઈ
- 31 માર્ચ 2023થી વધારીને 1 એપ્રિલ 2024 કરી
દિલ્હી : હવે વોટર આઈડીને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. આ દરમિયાન લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે આપવામાં આવેલી સમય મર્યાદા વધારી દીધી છે. હવે લોકો આગામી વર્ષ સુધી આ બંને દસ્તાવેજોને લિંક કરી શકશે.
સરકારે મતદાર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023થી વધારીને 1 એપ્રિલ, 2024 કરી છે. બીજી તરફ, વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં, તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી સરળતાથી ઓનલાઈન લિંક કરી શકો છો.
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આધાર અને પાન કાર્ડને લિંક કરવાની સમયમર્યાદાને વધુ છ મહિના લંબાવવા અને 1,000 રૂપિયાની ફી માફ કરવા વિનંતી કરી હતી.
વડા પ્રધાનને લખેલા પત્રમાં, તેમણે મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલી સૂચનાનો ઉલ્લેખ કર્યો છે જેમાં લોકોને 31 માર્ચ, 2023 સુધીમાં 1,000 રૂપિયાની ફી ચૂકવીને આધાર અને PANને ઑનલાઇન લિંક કરવાનું કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “મોટી સંખ્યામાં ભારતીયો ગરીબીથી ઘેરાયેલા છે અને તેઓ દેશના એવા ખૂણામાં રહે છે જ્યાં ઇન્ટરનેટ સુવિધા ઓછી છે. વચેટિયાઓએ પણ ગ્રામીણ વિસ્તારોમાં લોકો પાસેથી ફી તરીકે પૈસા વસૂલવાનું શરૂ કર્યું છે. ચૌધરીએ તાકીદ કરી હતી કે ફીની જોગવાઈ નાબૂદ કરવામાં આવે.