Site icon Revoi.in

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી

Social Share

નવી દિલ્હીઃ ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા અને ડુંગળીનો પુરવઠો જાળવવા માટે કેન્દ્ર સરકારે નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે. સરકારે 31 માર્ચ, 2025 સુધી દેશી ચણાની આયાત પર ડ્યૂટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે 31 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જાહેર કરાયેલા ‘બિલ ઑફ એન્ટ્રી’ દ્વારા પીળા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે, આ તમામ ફેરફારો 4 મેથી લાગુ થશે. હાલમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છે. જો કે, કેન્દ્ર સરકાર તેના મિત્ર દેશોમાં ડુંગળીની નિકાસને મંજૂરી આપી રહી છે. તાજેતરમાં, UAE અને બાંગ્લાદેશ સહિત છ દેશોમાં ડુંગળીના ચોક્કસ જથ્થાની નિકાસની મંજૂરી આપવામાં આવી હતી.

ગયા વર્ષે ઓગસ્ટમાં પણ કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળીની નિકાસ પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી. જોકે, સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો. નોંધનીય છે કે, ‘બિલ ઓફ એન્ટ્રી’ એ એક કાનૂની દસ્તાવેજ છે જે આયાતકારો અથવા કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ દ્વારા આયાતી માલના આગમન પર અથવા તે પહેલાં ફાઇલ કરવામાં આવે છે.

ભારત સરકારે પડશી દેશ બાંગ્લાદેશ સહિત છ દેશમાં ડુંગળીના નિકાસની તાજેતરમાં જ મંજુરી આપી હતી. બાંગ્લાદેશ, યુએઈ, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકામાં 99,150 મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (એનસીઈએલ), આ દેશોમાં ડુંગળીની નિકાસ કરશે. આ સાથે, ભારત સરકારે મધ્ય-પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોના નિકાસ બજારો માટે 2000 મેટ્રિક ટન ખાસ ઉગાડવામાં આવતી સફેદ ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી પણ આપી હતી.