નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રજાને માસ્ક પહેરવાની સાથે કોરોનાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ કેન્દ્ર સરકારનું આરોગ્ય વિભાગ પણ કોરોનાના કેસમાં વધારાને પગલે સફાળુ જાગ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને કેરલા સહિત પાંચ રાજ્યોને પત્ર લખીને કોરોના ટેસ્ટીંગ વધારવાની સાથે પીડિતો ઉપર નજર રાખવા પણ સૂચના આપી છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના સંક્રમણને લઈને કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુ એમ પાંચ રાજ્યોના અધિકારીઓને પત્ર લખ્યો છે. જેમાં કોરોનાના વધતા જતા કેસ અને સંક્રમિત લોકોના જૂથ પર ઝીણવટપૂર્વક નજર રાખવા અને પૂરતી સંખ્યામાં કોરોના સંક્રમણની તપાસ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણએ પત્રમાં કહ્યું છે કે ઘણા રાજ્યોમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ફેલાવવાની શકયતા છે.
આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ પાંચ ગણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેથી ટેસ્ટીંગ, ટ્રેક અને ટ્રીટમેન્ટ તથા રસીકરણ અભિયાન તેજ બનાવવું જોઈએ. તેમજ કોરોનાના ટેસ્ટીંગમાં પણ વધારો કરવો જોઈએ.