કેન્દ્ર સરકારે 66 કરોડ કોવિશિલ્ડ અને કોવેક્સિન ડોઝનો આપ્યો ઓર્ડર, બજારમાં આટલી હશે તેની કિંમત
- સરકારે વેક્સિન માટે આપ્યો મોટો ઓર્ડર
- 66 કરોડ વેક્સિનની ખરીદી કરશે સરકાર
- આટલા રૂપિયામાં મળશે લોકોને વેક્સિન
દિલ્હી : કોરોનાવાયરસની ત્રીજી લહેરને લઈને ભારતની કેટલીક મોટી સંસ્થાઓ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે. જાણકારો દ્વારા પણ આ બાબતે ચેતવણી આપવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા ત્રીજી લહેરને રોકવા માટે સંપૂર્ણપણે પ્રયાસ ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 66 કરોડ કોવિશિલ્ડ અને કોવેક્સિન ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે રસીની અછત દૂર કરવા માટે કેન્દ્ર સરકારે કોરોના સામેની રસી નવા ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે, જે મુજબ કેન્દ્ર કોવિશિલ્ડ રૂ. 205 અને કોવેક્સિન રૂ. 215ની કિંમતે 66 કરોડથી વધુ ડોઝ ખરીદશે, જેની ડિલિવરી ઑગસ્ટ અને ડિસેમ્બર વચ્ચે થશે.
કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે વધારે જણાવવામાં આવ્યું હતું કે, ડીસેમ્બર સુધીમાં સીરમ ઈન્સ્ટિટયૂટ પાસેથી કોવિશિલ્ડના 37.5 કરોડ અને ભારત બાયોટેક પાસેથી કોવેક્સિનના 28.5 કરોડ ડોઝ ખરીદશે. કેન્દ્ર સરકાર અગાઉ બંને રસી પ્રતિ ડોઝ રૂ. 150ના ભાવે ખરીદતી હતી. જોકે, 21મી જૂનથી કોરોનાની રસી ખરીદવાની નવી નીતિ અમલમાં આવ્યા પછી ભાવમાં સુધારો થવાની સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી.
દેશમાં સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધીમાં રસીના 41.69 કરોડથી વધુ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે. શનિવારે એક દિવસમાં કોરોનાની રસીના 46.38 લાખ ડોઝ અપાયા હતા. દેશમાં 18થી 44 વર્ષની વય જૂથના 21.18 લાખથી વધુ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 2.33 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે.