નવી દિલ્હીઃ દરરોજ સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમના નવા કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. આવા મામલાઓ પર કડક કાર્યવાહી કરવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. દૂરસંચાર વિભાગે ટેલિકોમ ઓપરેટરોને 28,200 મોબાઈલ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ ફોન સાથે ઉપયોગમાં લેવાતા 2 લાખ સિમ કાર્ડની તાત્કાલિક ચકાસણી કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે.. આમાં તેઓ સાયબર ક્રાઈમ અને નાણાકીય છેતરપિંડીમાં ટેલિકોમ સંસાધનોનો દુરુપયોગ થતો રોકવા માંગે છે. તેઓ સંયુક્ત રીતે સાયબર છેતરપિંડીનું નેટવર્ક તોડવા અને લોકોને ડિજિટલ વિશ્વના જોખમોથી પણ બચાવવા પર કામ કરી રહ્યા છે.
- 28,200 મોબાઈલનો દુરુપયોગ થયો હતો
ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસની તપાસમાં સામે આવ્યું કે 28,200 મોબાઈલ યુનિટનો સાયબર ફ્રોડમાં દુરુપયોગ થયો છે. DoTએ વિશ્લેષણ કર્યું અને વધુમાં કહ્યું કે આ હેન્ડસેટમાં 2 લાખ જેટલા નંબર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પછી DoTએ સમગ્ર ભારતમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને 28,200 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવા કહ્યું. આ સાથે તેમને 2 લાખ સિમકાર્ડના પુનઃવેરીફિકેશનનો આદેશ કર્યો છે.
- ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) રજૂ કરવામાં આવ્યું છે
માર્ચની શરૂઆતમાં, કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) રજૂ કર્યું હતું, જેનો ઉપયોગ વિવિધ હિતધારકો વચ્ચે સંકલન માટે થાય છે. તેમાં સરકાર, બેંકો અને ઓનલાઈન પ્લેટફોર્મ જેવી નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ નાણાકીય છેતરપિંડી અને સાયબર ક્રાઈમમાં ટેલિકોમ સંસાધનોનો દુરુપયોગ અટકાવવાનો છે.