ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદનમાં વધારો કરવા કેન્દ્ર સરકારનું આયોજન, ચીનને પડશે મોટો ફટકો
નવી દિલ્હીઃ ચીનના વર્ચસ્વને અંકુશમાં લેવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક નવી યોજના બનાવી છે, જેના કારણે ચીનની મોબાઈલ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ભારતમાં મોબાઈલ ફોન બનાવવા માટે પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ એટલે કે, PLI સ્કીમ હેઠળ સેમસંગ મોબાઈલ ફોન કંપનીને 600 કરોડ રૂપિયા આપવા જઈ રહી છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રોત્સાહન હશે.
સેમસંગ ભારત સરકારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020થી ઘરેલુ રીતે મોબાઈલ ફોનનું ઉત્પાદન કરી રહી છે. આ માટે સેમસંગ દ્વારા 900 કરોડના પ્રોત્સાહનનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, ભારત સરકાર પ્રોત્સાહન તરીકે રૂ. 600 કરોડ આપવાની યોજના બનાવી રહી છે. સેમસંગે સ્થાનિક સ્તરે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં જંગી રોકાણ કર્યું છે. તેનાથી ભારતમાં મોટા પાયે રોજગારીનું સર્જન થયું છે. આ સિવાય ભારતમાં મોબાઈલ ફોનની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.
સેમસંગને રૂ. 600 કરોડનું પ્રોત્સાહન મળવાથી કંપની ભારતમાં નવું રોકાણ કરી શકે છે. આમાં મેન્યુફેક્ચરિંગ સાથે સંશોધન કાર્યનો સમાવેશ થઈ શકે છે. જે ભારતીયોની જરૂરિયાત મુજબ મોબાઈલ ફોન બનાવવામાં મદદ કરશે. આ સાથે દેશમાં નવી ટેક્નોલોજીનો પણ વિકાસ કરવામાં આવશે. આ સિવાય નવા રોકાણથી સ્માર્ટફોનના ઉત્પાદનને વેગ મળશે. સાથે જ સ્માર્ટફોનની કિંમતને પણ કંટ્રોલ કરી શકાય છે. ભારત સરકાર ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની આયાત પર સતત નજર રાખી રહી છે. સાથે જ આવા તમામ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ. આવી સ્થિતિમાં ચીનની મોબાઈલ કંપનીઓની મુશ્કેલી વધી શકે છે.