અમદાવાદઃ સુરતમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે અમારી સરકારે 80 લાખ લોકોને મફત અનાજ આપી તેમને સશકત બનાવવાનો પ્રયાસ આદર્યો છે. સાથે જ સરકારની વિવિધ યોજનાઓ લોકોના ઘર સુધી પહોચાડવામાં સફળ રહી છે. સુરત ખાતે પક્ષના સંમેલનમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે જનધન, ઉજ્જવલા ગેસ અને મુદ્રા લોન થકી અમે લોકોનાં ઘર સુધી પહોંચ્યા છીએ. આજે દેશમાં 51 કરોડ જેટલા જનધન બેંક ખાતા ખૂલ્યા છે. 11 કરોડ જેટલા ગેસ જોડાણ આપવામાં આવ્યા છે. જ્યારે 43 કરોડ લોકોને પગભર થવા માટે મુદ્રા લોન દ્વારા મૂડી આપવામાં આવી છે. સાથે જ 10 લાખ લોકોને રોજગાર આપવા માટે પણ સરકાર પ્રયત્નશીલ છે. 80 લાખ લોકોને મફત અનાજ આપી સરકાર તેમનું સશક્તીકરણ કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે મંત્રાલયમાં દિવ્યાંગજનોને સમયસર લાભ મળે એ માટે અલગ સચિવની નિમણૂક કરી હોવાનું પણ ઉમેર્યું હતું.
આગામી લોકસભાની ચૂંટણી અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, “પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યનો સર્વાંગી વિકાસ કર્યો હતો. ગામડામાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો અડધી કલાકમાં ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી જાય. આવી જ રીતે તેઓ હવે દેશનો વિકાસ કરી રહ્યા છે.” 2024માં જો અમારી સરકાર બનશે તો દેશની અર્થ વ્યવસ્થા વિશ્વના ત્રીજા સ્થાને પહોંચી જશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. સરકાર બંધારણ માટે ખતરારૂપ છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “બંધારણ જોખમમાં નથી પરંતુ તે એકદમ સુરક્ષિત છે. અમુક વર્ગને ભરમાવવા માટે જાણી જોઈને આવી અફવા ફેલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર તમામ વર્ગના લોકોને સાથે લઈને ચાલે છે. તેમજ પીએમ નરેન્દ્ર મોદી તમામ ધર્મોનું સન્માન કરે છે અને ધાર્મિક નેતાઓને વ્યક્તિગત રીતે મળતા હોવાનું પણ મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું હતું.